National

લસણ મોંઘા થતાં ખેડૂતોએ ખેતરમાં લગાવ્યા CCTV કેમેરા, ઘરેથી રાખે છે નજર

છિંદવાડા: મધ્ય પ્રદેશના (MP) છિંદવાડામાં (Chindwada) લસણ (Garlic) ઉત્પાદક ખેડૂતો (Farmers) ખૂબ જ ખુશ છે. કારણ કે વેપારીઓ ખેડૂતોના ખેતરમાંથી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણ ખરીદી રહ્યા છે. આ લસણ બજારમાં 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ વખતે ખેડૂતોને લસણમાંથી કરોડો રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. વળી, લસણ મોંઘા થતાં તે ચોરાઈ જવાનો ડર પણ ઉભો થયો છે, તેથી જ ખેડૂતોએ મોંઘા લસણ પર નજર રાખવા ખેતરોમાં કેમેરા લગાવ્યા છે.

મધ્યપ્રદેશના છિંદવાડાના ખેડૂતોએ લસણના પાક પર નજર રાખવા માટે તેમના ખેતરોમાં સીસીટીવી કેમેરા (CCTV) લગાવ્યા છે. લસણની કોઈ ચોરી ન કરે તે માટે ઘરેથી ખેડૂતો તેની પર નજર રાખી રહ્યાં છે. છિંદવાડાનો યુવા ખેડૂત રાહુલ કહે છે કે સીસીટીવી કેમેરાની મદદથી ઘરે બેઠાં મજૂરો પર નજર રાખીએ છીએ. લસણ મોંઘુ થયું છે તેથી તે ચોરાઈ જવાનો ડર છે. એટલા માટે જ ખેતરોની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રાહુલે વધુમાં કહ્યું કે આજકાલ સોલાર સીસીટીવી કેમેરા આવી ગયા છે. તેને વીજળીની પણ જરૂર નથી. અગાઉ મારા ખેતરમાં ચોરી થઈ હતી. ત્યાર બાદ કેમેરા લગાવવામાં આવ્યા હતા. મેં 13 એકરમાં લસણનું વાવેતર કર્યું છે. રૂપિયા 25 લાખના ખર્ચમાં 1 કરોડ રૂપિયાથી વધુનો નફો થયો છે. લસણ હૈદરાબાદમાં વેચું છું.

રાહુલે જણાવ્યું કે તેમની પાસે કુલ 35 એકર ખેતી છે. ટામેટાનો પાક 16 એકરમાં, કેપ્સીકમ 2 એકરમાં અને લસણનો પાક 13 એકરમાં થાય છે. મુખ્ય પાક લસણ છે. રાહુલ કહે છે કે લસણનું વાવેતર વર્ષના તે સમયે કરવામાં આવે છે જ્યારે લસણ મોંઘુ હોય છે. જ્યારે જૂનમાં ભાવ ઉંચા હોય ત્યારે જ અમે લસણનું વાવેતર કરીએ છીએ. જમીનને પણ આરામની જરૂર છે. લસણ એક જ જગ્યાએ વારંવાર રોપવામાં આવતું નથી. આગામી વર્ષમાં પણ લસણ મોંઘુ રહેશે.

તમને જણાવી દઈએ કે યુવા ખેડૂત રાહુલે પોલીહાઉસ બનાવ્યું છે. અહીં તે મરચાં અને ટામેટાંના છોડ ઉગાડે છે અને અન્ય ખેડૂતોને વેચે છે. આમાંથી તેને સારી એવી કમાણી થઈ રહી છે. રાહુલનો ટામેટાંનો ધંધો પણ નિયમિત ચાલે છે. તેમની પાસે 150 મજૂરો કામ કરે છે.

Most Popular

To Top