મુંબઈ: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આજે બુધવારે તા. 14 ફેબ્રુઆરીએ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ બીએસઈ (BSE) અને નિફ્ટી (Nifty) બંને તૂટ્યા હતા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 21,600થી નીચે ગબડ્યો હતો.
દરમિયાન આરબીઆઈની કડકાઈનો સામનો કરી રહેલી ફિનટેક ફર્મ પેટીએમના શેરમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationનો શેર 9 ટકાથી વધુ ઘટીને નવા નીચા સ્તરે આવી ગયો છે.
આ અગાઉ BSE સેન્સેક્સ મંગળવારે 71,555.19 ના સ્તરે બંધ થયો હતો, પરંતુ બુધવારે તે 500 થી વધુ પોઈન્ટ ઘટીને 71,035 ના સ્તરે ખુલ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં આ ઘટાડો વધીને 600 પોઈન્ટ થઈ ગયો હતો.
સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 652.62 પોઈન્ટ લપસીને 70,902.56 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. માત્ર સેન્સેક્સ જ નહીં એનએસઈનો નિફ્ટી-50 પણ મજબૂત ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફ્ટી 177.50 પોઈન્ટ અથવા 0.82 ટકાના ઘટાડા સાથે 21,565.80 પર ખુલ્યો હતો.
લખાઈ રહ્યું છે ત્યારે તે 180.65 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 21,562.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ લગભગ 628 શેરમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે 1724 શેર લાલ નિશાન પર ટ્રેડ થવા લાગ્યા હતા. BPCL, અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ્સ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટી પર નફામાં જોવા મળ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ, વિપ્રો, આઈશર મોટર્સ નફામાં જોવા મળ્યા હતા. મોટર્સ, એલટી માઇન્ડટ્રી અને ઈન્ડસઈન્ડ બેંક છૂટાછવાયા જોવા મળ્યા હતા.
અમેરિકામાં ઉથલપાથલની અસર
ભારતીય શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ અમેરિકા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં કોર ઈન્ફ્લેશન રેટના આંકડા અનુમાન મુજબ આવ્યા ન હતા અને તેના કારણે યુએસ માર્કેટ ગબડ્યું હતું. તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે.
યુએસ ફુગાવાનો દર 3.9% રહ્યો છે, જે અપેક્ષા કરતા વધારે છે. ફુગાવાના આ ખરાબ આંકડાઓને કારણે અમેરિકન બજારે નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. ડાઉ જોન્સમાં પાંચ દિવસનો વધારો અચાનક ઘટાડામાં ફેરવાઈ ગયો અને મંગળવારે 525 પોઈન્ટ (-1.35%)ના ભારે ઘટાડા સાથે બંધ થયો હતો.