Vadodara

ગોરવા ગુ.હા. બોર્ડના મકાનોને ખાલી કરવાની નોટિસ મળતા લોકોમાં આક્રોશ

વડોદરા, તા. 13
હરણી બોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જર્જરિત મકાનો તેમજ ઈમારતોને ખાલી કરવા અથવા ઉતારી લેવાની નોટિસ આપવામાં આવી રહી છે. ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ મંગળવારના રોજ નોટિસ મળતા સ્થાનિક લોકો પરેશાન થઇ ઉઠ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. પાલિકા દ્વારા એક તરફ રિડેવલપમેન્ટ કરવામાં નથી આવી રહ્યું તો બીજી તરફ આવી નોટિસો પાઠવી પ્રજાને પરેશાન કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
હરણી બોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી. અને તેથી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જર્જરિત ઈમારતોને શોધી તેને નોટિસ બજાવવામાં આવી રહી છે. હાલ સુધીમાં પાલિકા દ્વારા વિવિધ શાળાઓ, સરકારી ઇમારતો તેમજ મકાનોને નોટિસ આપવામાં આવી છે ત્યારે મંગળવારના રોજ ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને મકાનો ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જેના પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે ગુ.હા. બોર્ડ દ્વારા રજુ કરાયેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટ પ્રમાણે આ મિલકત ભયજનક, જર્જરિત અને પડી જાય તેવી છે. આવતા જતા લોકો માટે જોખમી જણાઈ રહી છે. જેથી આ નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક આ મકાનો ખાલી કરવા અથવા નિર્ભય કરવા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલિકા માત્ર નોટિસ આપવાનું કામ કરે છે. લોકોની સુખાકારીમાં તેને કોઈ રસ નથી તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અગાઉ પણ અનેક મકાનો ખાલી કરી રિડેવલપમેન્ટ માટે મુકવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તે બનાવવામાં આવ્યા નથી. ત્યારે પહેલા પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Most Popular

To Top