ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ગુજરાતના નારગોલ બંદરને વિકસાવવા માટે સતત બે વખત ટેન્ડર પ્રક્રિયા ગુજરાત મેરિટાઈમ બોર્ડ (Gujarat Maritime Board) દ્વારા હાથ ધરાઈ છે. જો કે 4500 થી 5000 કરોડ સુધીનું રોકાણ આકર્ષવાની સંભાવના ધરાવતા આ નારગોલ બંદરને વિકસાવવા માટે કોઈ રોકાણકાર આગળ આવતું નથી.
- ટેન્ડરોની વિચિત્ર શરતોને કારણે દક્ષિણ ગુજરાતના નારગોલ બંદરનો વિકાસ થતો નથી
- વિધાનસભાની જાહેર સાહસોની સમિતિએ રિપોર્ટ રજુ કર્યો
- વિકાસ માટે 4500 થી 5000 કરોડનું રોકાણ આવે તેવી સંભાવના છે છતાં રોકાણકારો રસ લેતા નથી
આજે ગુજરાત વિધાનસભામાં જાહેર સાહસો માટેની સમિતિએ પોતાનો આખરી રિપોર્ટ રજુ કરી દીધો છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર નારગોલ બંદરનો વિકાસ પબ્લિક -પ્રાઈવેટ પાર્ટનરશીપથી વિકાસ કરવાનો હતો. બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા પછી ફેબ્રુ., 2022 સુધીમાં કોઈ રોકાણકારે રસ દાખવ્યો નહતો. આઈઆઈટી મદ્રાસ દ્વારા 4500 થી 5000 કરોડના રોકાણની તકો હોવા અંગે પ્રી-ફીઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો હતો. જો કે આ બંદરના રોકાણ માટે ટેન્ડરોની શરતો પૈકી , પર્યાવરણની વિકાસ પરવાનગીની સાથે લાસ્ટ માઈલ રેલવે કનેકટિવિટી આપવાની રહેશે, તેવી શરતના કારણે રોકાણકારોએ રસ દાખવ્યો નહતો.
જેના પગલે સમિતિની ભલામણના પગલે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા એક આંતરિક કમિટીની રચના કરવામાં આવી છે. જે હવે ટેન્ડરની શરતો અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપ્રત કરવાની તૈયારીમાં છે. જેના પગલે ટેન્ડરની શરતોમાં ફેરફાર સૂચવાશે. જાહેર સાહસોની સમિતિના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ પોતાના રિપોર્ટમાં એવી ભલામણ કરી છે કે લાસ્ટ માઈલ રેલવે કનેકટિવિટી આપવાની જવાબદારી સરકારે લેવી જોઈએ. સમિતિને એવું લાગે છે કે નારગોલ બંદરના વિકાસ માટે સરકાર તથા મેરિટાઈમ બોર્ડ સતત પગલા લઈ રહ્યું છે.