National

ખેડૂત આંદોલન: દિલ્હીની તમામ સરહદો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત, સિંધુ બોર્ડર સીલ

સોનીપત: (Sonipat) ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ દરમિયાન સોનીપત જિલ્લાને દિલ્હી સાથે જોડતી સિંઘુ બોર્ડર (Sindhu Border) સોનીપત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે સીલ (Seal) કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે સિંઘુ બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. તેમજ દિલ્હી અને સોનીપત બંને જગ્યાએથી વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે. પોલીસનું કહેવું છે કે હવે કોઈ વાહન NH 44 દ્વારા દિલ્હીમાં પ્રવેશી રહ્યું નથી. નાના-મોટા તમામ વાહનોને અન્ય રૂટ પરથી મોકલવામાં આવી રહ્યા છે. બોર્ડર પર પોલીસ ફોર્સ સંપૂર્ણ રીતે એલર્ટ છે અને દિલ્હી તરફ જતા વાહનોનું દરેક રૂટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોન દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ખેડૂતોના વિરોધને કારણે દિલ્હીની સરહદો પર ભારે દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ હોવા છતાં દિલ્હી-નોઈડા-દિલ્હી (DND) ફ્લાયવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સાંજના સમયે દિલ્હીથી નોઈડા તરફ આવતા વાહનોની કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનો અટવાયેલા જોવા મળ્યા હતા. ખેડૂતોના વિરોધને જોતા ટીકરી બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સિમેન્ટના મોટા બ્લોક મૂકીને રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે.

સાંજના પાંચ વાગ્યા સુધી શંભુ બોર્ડર પર બેથી અઢી હજાર ખેડૂતો ઉભા હતા. બેરિકેડીંગ તોડવા માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી સાથે બેરીકેડીંગમાં ઘુસી ગયા હતા. જીંદ જિલ્લામાં બંને રાજ્યોની સરહદ પર પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાતના પહેલા દિવસે મંગળવારે ભારે હોબાળો થયો હતો. જ્યારે ખેડૂતોએ શંભુ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન અંબાલા કેન્ટના ડીએસપી સહિત અનેક પોલીસકર્મીઓ અને ખેડૂતો ઘાયલ થયા હતા.

મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત
પોલીસે બોર્ડર પર 6-ટાયર બેરિકેડિંગ લગાવવાનું શરૂ કર્યું છે. ક્રેનની મદદથી રસ્તાની બંને બાજુએ કોંક્રિટ બ્લોક્સ મૂકવામાં આવ્યા છે. આ સાથે મોટા કન્ટેનર પણ રાખવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિંઘુ બોર્ડર પર 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

તમિલનાડુના ખેડૂતોએ દિલ્હી ચલો માર્ચને સમર્થન આપ્યુ
તમિલનાડુના ખેડૂતોના જૂથે ત્રિચીમાં ‘દિલ્હી ચલો’ ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યું હતું. ખેડૂત નેતા પી અય્યાકન્નુએ કહ્યું કે બંધારણ મુજબ આપણે આપણા અધિકારો માટે દેશની અંદર મુક્તપણે ફરી શકીએ છીએ પરંતુ પોલીસ ખેડૂતોને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી રહી નથી. તેમણે કહ્યું કે જો પીએમ મોદી આગામી ચૂંટણીમાં તમિલનાડુના કોઈપણ મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે તો ખેડૂતો તે મતદારક્ષેત્રથી તેમની વિરુદ્ધ ઉમેદવારી નોંધાવશે.

Most Popular

To Top