Business

ટાટાની આ ઈલેક્ટ્રીક કારની કિંમતમાં 1.20 લાખ સુધીનો થયો ઘટાડો, ખરીદવાની સારી તક

નવી દિલ્હી: દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે (TataMotors) આજે તા. 13 ફેબ્રુઆરી તેની ઈલેક્ટ્રિક કારના (ElectricCar) ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. કંપનીએ તેની ઇલેક્ટ્રિક SUV Nexon EV થી લઈને ઈલેક્ટ્રિક હેચબેક Tiago EV સુધીની કિંમતમાં રૂ. 1.20 લાખ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે.

ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEM) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર કંપનીએ તેની સૌથી વધુ કમ્ફર્ટેબલ ઇલેક્ટ્રિક કાર Nexon.ev ની કિંમતમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે ગ્રાહકો Nexon Electricનું બેઝ વર્ઝન માત્ર 14.49 લાખ રૂપિયામાં ખરીદી શકે છે. જ્યારે Nexon.ev નું લોંગ રેન્જ વર્ઝન રૂ. 16.99 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે.

ટાટા મોટર્સનું કહેવું છે કે દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર Tiago EVના બેઝ મોડલમાં 70,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ કારની શરૂઆતી કિંમત માત્ર 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કારની શ્રેણીમાં ધરખમ ઘટાડો કરવા પાછળનો કંપનીનો ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે.

TPEMના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, “બૅટરીનો ખર્ચ ઇલેક્ટ્રિક વાહનની કુલ કિંમતનો એક મોટો હિસ્સો છે. તાજેતરના સમયમાં બૅટરી સેલના ભાવમાં ઘટાડો થયો છે અને નજીકના ભવિષ્યમાં તે જ રહેશે. અમે આ લાભ સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું પસંદ કર્યું છે.

તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી હોવાથી અમારું મિશન ઈલેક્ટ્રિક વાહનોને સમગ્ર દેશમાં વધુ સુલભ બનાવીને તેને અપનાવવાની મુખ્ય ધારાને વેગ આપવાનું છે. અમારો પોર્ટફોલિયો પહેલાથી જ અમારા સ્માર્ટ, ફિચર રિચ ઇલેક્ટ્રિક વાહનો સાથે મજબૂત છે. અમે માનીએ છીએ કે ઓછી કિંમતે સૌથી વધુ વેચાતી Nexon.ev અને Tiago.ev ગ્રાહકોના મોટા જૂથને આકર્ષવામાં સક્ષમ હશે.

Most Popular

To Top