National

ખેડૂતોની દિલ્હી કૂચ: શંભુ બોર્ડર પર સ્થિતિ બેકાબુ બનતા પોલીસે ડ્રોનથી ટીયર ગેસ છોડ્યા

નવી દિલ્હી: મોડી રાત સુધી ચાલેલી મિટીંગમાં કેન્દ્ર સરકારે માંગણી નહીં સ્વીકારતા આખરે આજે સવારથી પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી છે. ખેડૂતો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર પહોંચી ગયા છે. અહીં ખેડૂતોએ બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ બેકાબુ બની હતી. દરમિયાન ખેડૂતો પર કાબુ મેળવવા દિલ્હી પોલીસે ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડ્યા હતાં.

શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓ પર પોલીસ સતત ટીયર ગેસના શેલ છોડી રહી છે. વાસ્તવમાં ખેડૂતો સતત દિલ્હી કૂચ કરવા પર અડગ છે. પોલીસ ડ્રોન દ્વારા સતત ટીયર ગેસના શેલ છોડી રહી છે જેથી ફતેહગઢ સાહિબથી આગળ વધતા ટ્રેક્ટરોને આગળ વધતા અટકાવવામાં આવે.

દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ રહેલા ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. સરહદ પર ખેડૂતોને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ શંભુ સરહદ પર સ્થિતિ વણસી રહી છે. અહીં સમયાંતરે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. ખેડૂતોને લગભગ 300 મીટર પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ પ્રદર્શનકારીઓ હજુ પણ દિલ્હીમાં પ્રવેશવા પર અડગ છે.


ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેને જોતા દ્વારકા ડીસીપીએ જણાવ્યું કે શહેરમાં કલમ 144 લાગુ છે. શહેરમાં ટ્રેક્ટર ટ્રોલીને મંજૂરી નથી. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા સર્વેલન્સ માટે ડ્રોન એક અસરકારક સાધન છે, અમે તેનો ઉપયોગ કરીશું.

મેટ્રો સ્ટેશન બંધ કરાયા
ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ સતત સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી છે. તેને જોતા દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર 2 બંધ હતો, હવે પટેલ ચોક મેટ્રો સ્ટેશનના ગેટને તાળું મારી દેવામાં આવ્યું છે.

લાલ કિલ્લો પણ બંધ કરાયો
હરિયાણામાં શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે. ખેડૂતોના આગ્રહને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર લાલ કિલ્લાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. લાલ કિલ્લાના મુખ્ય દરવાજા પર બેરિકેડિંગના અનેક સ્તરો કરવામાં આવ્યા છે. ગેટ પર બસો અને ટ્રકો ઉભી રાખવામાં આવી હતી જેથી કોઈ સરળતાથી કાર દ્વારા અંદર પ્રવેશી ન શકે

Most Popular

To Top