SURAT

ભરૂચની 6 વર્ષની બાળકીનું સુરત સિનર્જી ઈમેજીન સિટીસ્કેન સેન્ટરમાં મોત, પરિવારે કર્યો આવો આક્ષેપ

સુરત(Surat): સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર (Treatment) માટે લઈને આવેલી ભરૂચની (Bharuch) 6 વર્ષની બાળકીનું સિટીસ્કેન (CityScan) સેન્ટરમાં સિટીસ્કેન કરતી વખતે મશીનમાં બેભાન થયા બાદ મોત (Death) નિપજ્યું હતું. બાળકીને સિટીસ્કેન કરતી વખતે ઈન્જેકશનના ઓવર ડોઝ (OverdoseOfInjection) આપવામાં આવ્યા હતા. તેવા આક્ષેપો કરવામાં આવતા અઠવા પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ (ForensicPostmortem) કરાવ્યું હતું.

  • કાનમાં સાંભળવાની તકલીફ હોવાથી ભરૂચની સફાને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
  • રિંગરોડની સિનર્જી ઈમેજીન સેન્ટરમાં સિટીસ્કેન કરતી વખતે થયું મોત
  • સિટી સ્કેન સેન્ટરમાં સફાને ઈન્જેક્શનનો ઓવરડોઝ અપાયાનો પરિવારનો આક્ષેપ
  • સુરત સિવિલ હોસ્પિટલમાં સફાનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

અઠવાલાઇન્સ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચના સીતાપોણ ગામ ખાતે ઈમરાનભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લમ્બરીંગનું કામ કરે છે. ઈમરાનભાઈના સંતાન પૈકી તેમની 6 વર્ષીય પુત્રી સફાને કાનમાં સાંભળવાની તકલીફ થતી હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યાં તપાસ બાદ સફાને સિટીસ્કેન માટે રિંગરોડ ખાતે આવેલી સીનર્જી ઈમેજીન સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી.

સિટીસ્કેન કરતા સમયે જ મશીનમાં સફા બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની નિર્મલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સફાને મૃત જાહેર કરી હતી. સીનર્જી ઈમેજીનમાં સિટીસ્કેન કરતી વખતે આપવામાં આવેલા ઈન્જેક્શનના ઓવરડોઝના કારણે સફાનું મોત નિપજ્યું હોવાની પરિવારે શંકા વ્યકત કરતા અઠવાલાઇન્સ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પરિવારે આક્ષેપ કરવાની સાથે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરતા સિવિલ હોસ્પિટલમાં માસુમ સફાનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું છે. મોતનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. બનાવ અંગે હાલ અઠવાલાઇન્સ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top