Charchapatra

લોકમિશનની ભલામણ માત્ર કાગળ ઉપર જ

કેન્દ્રીય કાયદા-ન્યાય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીએ હાલ માત્ર 21 (એકવીસ) જ જજ છે. 50 ટકાથી પણ ઓછા છે. 36 (છત્રીસ) વર્ષ અગાઉ લો કમિશને પ્રતિ 10 લાખ વસતી પર 50 (પચાસ) જજોની ભલામણ કરી હતી. સાડા ત્રણ દસકા બાદ પણ આ લક્ષ પ્રાપ્ત નથી કરવામાં આવ્યું. છેલ્લા કેટલાક સમયથી ન્યાયિક ક્ષેત્રમાં ભરતીનું પ્રમાણ વધ્યું જરૂર છે, પણ તેમ છતાં નીચલી કોર્ટોમાં હજારો જજોનાં પદ ખાલી પડ્યાં છે. ભારતીય લો કમિશને 1987માં સરકારને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં પ્રતિ 10 લાખ વસતી સામે 50 જજો સેવામાં હોવા જરૂરી છે. તાજેતરમાં ભાજપના એક સાંસદે લોકસભામાં સવાલ કર્યો હતો કે શું સરકાર આ લક્ષ્ય પ્રાપ્ત કરી ચૂકી છે કે પાછળ છે? જેના જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રીએ ખાલી પદો અંગે આંકડા રજૂ કર્યા હતા.

2014માં દેશભરની જિલ્લા કોર્ટોમાં જજોના 19518 પદ ફાળવવામાં આવ્યાં હતાં, જેની સામે 15115 જજો સેવા આપી રહ્યા છે. જ્યારે ચાર હજારથી વધુ પદ ખાલી હતાં. હાલની સ્થિતિ મુજબ 25423 (પચ્ચીસ હજાર ચારસો ત્રેવીસ) પદ ફાળવવામાં આવ્યાં હતાં. તેમાંથી 20026 (વીસ હજાર છવ્વીસ) પદ પર જજો સેવા આપી રહ્યા છે. આમ પાંચ હજારથી વધુ પદ ખાલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક પણ પદ ખાલી નથી, પરંતુ હાઇ કોર્ટોમાં 320 (ત્રણસો વીસ) થી વધુ પદ ખાલી છે. આટલી સંખ્યામાં જજોનાં પદ ખાલી હોય ત્યારે પેન્ડિંગ કેસોનો નિકાલ કેવી રીતે આવે? અને લોકોને ઝડપી ન્યાય પણ કેવી રીતે મળે? કેન્દ્ર સરકારે જજોની પદોની નિયુક્તિના મુદ્દાને અગ્રતા આપી તાકીદે ખાલી જજોના પદો પર જજોની નિયુક્તિ કરવા અર્થે યોગ્ય  પગલાં લેવાં જોઇએ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top