SURAT

સુરત: ટેમ્પોના વ્હિલ નીચે આવી જતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત, વિદ્યાર્થીનીને ઘરે મૂકવા જતો હતો

સુરત: (Surat) ગઇ કાલે બપોરે પલસાણા-સચીન હાઈવે ઉપર હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ પાસે બાઇક સ્લીપ થતાં સામેથી આવતા ટેમ્પોના વ્હિલમાં આવી જતાં એન્જિનિયરિંગના (Engineering) વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ઘરે મૂકવા માટે સચીન જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

  • ટેમ્પોના વ્હિલ નીચે આવી જતાં ભાટિયા ગામના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત
  • કોલેજમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરે સચીન મૂકવા જતો હતો ત્યારે બાઇક પરથી કાબૂ ગુમાવતા ઘટના બની

સચીન પોલીસના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના ભાટિયા ગામના પટેલ ફળિયામાં દેવાંગભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાત એસટી ડેપોમાં ફરજ બજાવે છે. તેમનો 16 વર્ષીય પુત્ર કૃષિલ પલસાણાની કોલેજમાં ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરતો હતો. હાલમાં તે કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો હતો. દરમિયાન ગઇકાલે બપોરે તે તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બાઇક ઉપર બેસાડી સચીન તેના ઘરે મૂકવા જઇ રહ્યો હતો.

તે સમયે પલસાણા-સચિન હાઈ વે પર હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગેટ નંબર 1 સામે રોડ ઉપર કૃષિલે બેલેન્સ ગુમાવતા બાઈક સ્લીપ થઈ હતી. તે જ સમયે સામેથી આવતા એક ટેમ્પોના વ્હિલમાં તે આવી ગયો હતો. તેને ગંભીર ઇજા થથા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેસેલી વિદ્યાર્થિનીને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાબતે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે જેની તપાસ પીએસઆઇ જે.કે.બારિયા કરી રહ્યાં છે.

Most Popular

To Top