*કોર્ટે તપાસ રિપોર્ટ માંગતા સમયમર્યાદામાં રજૂ ન કરતા થતા પગલાં ભર્યાં
નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ થતા ખળભળાટ મચ્યો છે. કોર્ટે ફરીયાદીની એક અરજીને ગ્રાહ્ય રાખી 2 મહિનામાં ટાઉન પોલીસને તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો, જેનું પાલન ન કરનારા પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરીયાદ દાખલ કરી હતી. જે મામલે કન્ટેમ્પ્ટ મેટરની સુનાવણીમાં પોલીસ ઈન્સપેક્ટર દ્વારા એફીડેવીટ કરી જવાબ રજૂ કરાયાની વિગતો સાંપડી છે.
નડિયાદમાં સરકાર દ્વારા થયેલી કેટલીક ફરીયાદમાં જાણીતા આરટીઆઈ એક્ટીવીસ્ટ અને રાજ્યપાલના પૂર્વ નોમીની મૌલિકકુમાર શ્રીમાળી સરકારી સાક્ષી છે. સરકારે પરસોત્તમ પંડ્યા સામે કરેલી ફરીયાદોમાં મૌલિકકુમાર શ્રીમાળીને હોર્સ્ટાઈલ થવા માટે સતત દબાણ કરાતુ હતુ. જે મામલે તેમની સામે પરસોત્તમ પંડ્યા દ્વારા વર્ષ 2022માં નડિયાદ ટાઉન પોલીસ મથકે એક ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદમાં મૌલિકકુમાર શ્રીમાળી સામે પરસોત્તમ પંડ્યાને ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયુ હતુ. પરંતુ જે ઘટનાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો તે દિવસના સીસીટીવી કેમેરાના ફૂટેજના પુરાવા પેનડ્રાઈવમાં મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરી દેવાયા હતા. જેથી આખી ફરિયાદ જ બોગસ અને ખોટી હોવાનું સાબિત થયુ છે. આ ખોટી ફરિયાદમાં સજ્જડ પુરાવા જોતા પોલીસ પ્રશાસન દ્વારા ઢીલી તપાસ કરાતી હતી. જેથી સમગ્ર મામલે મૌલિકકુમાર શ્રીમાળીએ પહેલા ખેડા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી. સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી. પરંતુ પરિણામ ન મળતા અંતે તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આ મામલો કોર્ટમાં લઈ ગયા હતા. જ્યાં ગુજરાત હાઈકોર્ટે નડિયાદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણને નામ જોગ ફરિયાદ દાખલ કરી 2 મહિનામાં તપાસ રીપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ ચૌહાણે સમયમર્યાદામાં હાઈકોર્ટમાં તપાસ રીપોર્ટ રજૂ કર્યો ન હતો. જેથી તેમની સામે ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરીયાદ દાખલ કરી છે.
આ મામલે 13મી ફેબ્રુઆરીના રોજની સુનાવણીમાં પોલીસ ઈન્સપેક્ટર દ્વારા એફીડેવીટ રજૂ કરી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયો છે. જેમાં સમગ્ર મામલે મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા અપાયેલા પેનડ્રાઈવ FSLમાં મોકલ્યા હોવાનું જણાવ્યુ છે અને તે આવ્યા બાદ આગળની તપાસ થશે, તેમ જણાવ્યુ છે. જેથી કોર્ટે તેને ધ્યાને લઈ 24 એપ્રિલે આગામી મુદ્દતનો સમય આપ્યો છે.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ સમગ્ર મામલે હું તપાસ કરાવી લવ છુ.
*બદલી સંયોગ કે પછી..?*
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ 13 ફેબ્રુઆરીએ નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની મેટરમાં ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી જવાબ રજૂ કર્યો છે. તો બીજીતરફ 14 ફેબ્રુઆરીએ જ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટરની બદલી લીવ રીઝર્વ કંટ્રોલરૂમ નડિયાદમાં કરી દેવાઈ છે. ત્યારે આ સંયોગ છે કે પછી બદલીના આદેશમાં જણાવ્યા મુજબ વહીવટી કારણોસરની બદલી, તે ચર્ચાનો વિષય બન્યો છે.
*ઇન્સ્પેક્ટર વાય.આર. ચૌહાણ અને એચ.બી. ચૌહાણ આણંદ, નડિયાદ અને લીવ રિઝર્વમાં પણ સાથેસાથે*
ખેડા જિલ્લા પોલીસ બેડામાં 14મી ફેબ્રુઆરીએ 2 પોલીસ ઈન્સપેક્ટર્સની વહીવટી કારણોસર બદલીનો ઓર્ડર કરાયો છે. પરંતુ આ બદલી વહીવટી કારણોસર થઈ છે કે પછી સરકારી રેકર્ડ પર બતાવવા પૂરતી થઈ છે, તે વિષય ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. જો કે, આ વચ્ચે સૌથી મહત્વની અને આશ્ચર્ય પમાડે તેવી વિગતો એવી છે કે, જે 2 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરાઈ છે, તે છેલ્લા કેટલાય વર્ષોથી પાસે-પાસેના જ પોલીસ મથકોમાં ફરજ નિભાવી રહ્યા છે.
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ 14મી ફેબ્રુઆરીએ નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ બી. ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ ઈન્સપેક્ટર યશવંત આર. ચૌહાણની લીવરીઝર્વ કંટ્રોલરૂમમાં બદલીનો ઓર્ડર કર્યો છે. પરંતુ આ બદલીઓએ અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે. આ વચ્ચે સૌથી નોંધનીય બાબત એ છે કે, પોલીસ બેડાના આ રામ-લખન કહેવાતા ચૌહાણ બંધુઓ છેલ્લા કેટલાય વખતથી નજીકના જ પોલીસ મથકોમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ બંને આણંદ અને વિદ્યાનગરના પોલીસ ઈન્સપેક્ટર હતા, બાદમાં બંને પૈકી એક નડિયાદ ટાઉન પોલીસ મથકમાં બદલી થઈ તો બીજાની નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે બદલી થઈને આવ્યા. તો હવે ગઈકાલના ઓર્ડરમાં પણ બંનેને એકસાથે જ લીવરીઝર્વમાં કન્ટ્રોંલ રૂમમાં મુકાયા છે.
આ ચૌહાણ બંધુઓને નજીકના પોલીસ મથકોમાં ફરજો પર રાખતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે. એટલુ જ નહીં, તેમની પર રાજકીય આશીર્વાદ રહેતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. આ બંને પોલીસ અધિકારીઓ વારંવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે, હવે આગામી સમયમાં લીવરીઝર્વમાંથી બંનેને કયા જવાબદારી સોંપવામાં આવે છે ? તેની પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.
*ફરિયાદી સાથે આરાેપી જેવું વર્તન કરાતુ હતું*
નડિયાદ ટાઉન પીઆઈ હરપાલસિંહ ચાૈહાણ અને તેમની નીચેના પીઅેસઆઈ સહિતની ટીમ વિવાદમાં રહી છે. ટાઉન પાેલીસ સ્ટેશને આવતા ફરીયાદીઆે સાથે આરાેપી જેવું વર્તન કરાતું હાેવાની ફરીયાદો ઉઠતી રહી છે. આ ઉપરાંત ગુનાે નાેંધવાના બદલે ફરીયાદીની અરજી લઈ તપાસમાં ઠાગાઠૈયા કરી સમગ્ર મામલાને રફેદફે કરવાના પણ અનેક આક્ષેપાે થયા હતા. આ અંગે કેટલાક ફરીયાદીઆેઅે ઉચ્ચ કક્ષાઅે પણ રજૂઆત કરી છે.