SURAT

ઉધનાના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, દાનપેટી તોડી રોકડ ચોરી ગયા

સુરત: તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર સેવા નિવૃત્ત થયા ત્યાર બાદ સરકાર દ્વારા સુરતમાં નવા કમિશનરની નિમણૂંક કરી નથી, તેના લીધે જાણે શહેર ધણીધોરી વગરનું બની ગયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે. ચોર, લૂંટારા અને અસામાજિક તત્વો પર કોઈનો ધાક રહ્યો નથી. સરેઆમ લૂંટ, હત્યાના બનાવ બની રહ્યાં છે.

હદ તો એ થઈ છે કે શહેરમાં હવે મંદિરો પણ સુરક્ષિત રહ્યાં નથી. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. મોડી રાત્રી દરમ્યાન ત્રાટકેલા તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને નાસી ગયા હતાં.

સવારે જ્યારે પુજારી મંદિરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. દાનપેટીના તાળાં તૂટેલા જોઈ પુજારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ત્રણ જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હોવાનું બહાર આવ્યું હતું. મોંઢા પર નકાબ બાંધી ત્રણ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને દાનપેટી તોડી તેમાંથી રોકડ ચોરી ગયા હતા. કેટલા રૂપિયા ચોરાયા તે હજુ જાણી શકાયું નથી. ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવી કેદ થઈ હતી. હાલ સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાદોલમાં ધોળે દિવસે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.18.85 લાખનો મુદ્દામાલ કબજે
પલસાણા: ગત તા.31-1-2024ના રોજ ઓલપાડના ભાદોલ ગામે દોલતપરા સોસાયટીમાં બંધ મકાનમાં બાથરૂમની પાછળની બારીમાંથી કોઈ અજાણ્યા ઇસમોએ ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી નાસી છૂટ્યા હતા.

આ અંગે કીમ પોલીસમથકમાં ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસમાં સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી અને કીમ પોલીસની ટીમ જોતરાઈ હતી. અલગ અલગ ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની સ્થળ મુલાકાત લેવામાં આવ્યા બાદ આજુબાજુનાં ખાનગી સીસીટીવી કેમેરાનાં ફૂટેજ ચકાસણી તેમજ ટેક્નિકલ અને અંગત હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે, ભાદોલ ગામે અહેમદખાન ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણ (રહે.,રહાડપોર, આશિયાનાનગર, ભરૂચ)એ ચોરી કરી છે અને ચોરીમાં ગયેલો મુદ્દામાલ ઘરમાં છુપાવી હાલમાં તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી તેના ઘરેથી તેને ઝડપી લીધો હતો.

તેની સઘન પૂછપરછ કરતાં ભાદોલ ગામે તેણે જ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને સોનાના દાગીના સુરત વેચાણથી આપેલા હોવાનું તથા રોકડા રૂપિયા અને ચાંદીના દાગીના ઘરે છુપાવેલા હોવાનું જણાવતાં તેના ઘરેથી ચાંદીનાં ઘરેણાં અને રોકડા, મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસની એક ટીમ સોનાના દાગીના ખરીદનાર આરોપીની તપાસ કરી તેને પણ સુરતથી ઝડપી પાડી દાગીના ગાળી નાંખ્યા હોવાથી સોનાની લગડી કબજે કરી હતી.

આમ પોલીસે મુખ્ય આરોપી અહેમદખાન પઠાણ તેમજ ચોરીનો માલ ખરીદનાર તારીક અઝીઝ હાજીહનીફ ઝવેરી (રહે., નૂર હાઉસ એપાર્ટમેન્ટ, ભાગળ, સુરત)ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના 283.160 ગ્રામ કિં.રૂ.12310, ચોરી કરેલા સોનાના દાગીનાઓ, વેચાણ કરી મળેલા રૂપિયા પૈકીના 1.35 લાખ રોકડા, મોપેડ કિં.રૂ.40 હજાર, અંગજડતીમાંથી મળેલા રોકડા રૂ.7100, એક મોબાઇલ ફોન કિં.રૂ. 5 હજાર અને સોનાની લગડી બે વજન 361.030 ગ્રામ કિં.રૂ.16.97 લાખ મળી કુલ 18,85,520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top