Columns

ભગવાનની હાજરી

એક ઝાડ નીચે એક ફકીર બેસતો. તે ભગવાનનાં ગીતો ગાતો. સૂફી ગીતો લલકારતો રહેતો અને ભગવાનને અલ્લાહને પોકારતો રહેતો.સતત એમ બોલતો રહેતો ભગવાન એક જ છે. ભગવાન બધે જ છે.ભગવાન બધું જુએ છે.ભગવાન તમારી સાથે જ છે.ઘડીકમાં તે હરિનામ પોકારતો તો ઘડીકમાં ખુદાને. એક માણસે આવીને ફકીરને એક દિવસ પૂછ્યું, ‘બાબા, તમે ભગવાન ,ખુદા અલ્લાહની વાતો કરો છો તો તમારો ધર્મ શું છે.’ફકીરે કહ્યું, ‘મારો ધર્મ તો માણસાઈ છે.હું કોઈ જાતિ કે ધર્મનો નથી. હું ભગવાનનો અંશ છું.હું ખુદાનો બંદો છું.’આટલું કહી ફકીર વળી ભજન ગાવા લાગ્યો.’

માણસે વિચાર્યું કે આ ફ્કીર તો ઢોંગી લાગે છે.લોકોને પોતાની તરફ આકર્ષવા આવી વાતો કરે છે.હું તેની પર ચાંપતી નજર રાખીશ અને તે મસ્જીદમાં જાય છે કે મંદિરમાં તે શોધીને જ રહીશ એટલે તેમની જાત અને ધર્મ ખબર પડી જશે. માણસે એક નહિ, ચાર દિવસ ફકીર પર નજર રાખી.ફકીર ભગવાન અને ખુદા બન્નેની વાતો કરતા ..ભજનો ગાતા પણ તેઓ આ ચાર દિવસમાં ન મંદિરમાં ગયા કે ન મસ્જીદમાં ગયા. પેલા માણસની ધીરજ ખૂટી. તે ફરી ફકીર પાસે ગયો અને પૂછવા લાગ્યો, ‘બાબા , તમે ભગવાનની વાતો કરો છો પણ ન તમે તેને ભજવા ..દર્શન કરવા મંદિરમાં જાઓ છો કે ન તો તમે મસ્જીદમાં જાઓ છો.તો તમે તમારા ભગવાનનાં દર્શન ક્યાં કરો છો? તમારો ભગવાન ક્યાં હોય છે?’

ફકીર હસ્યા અને જાણે બધું જાણતા હોય તેમ બોલ્યા, ‘ભાઈ, તું મારી પર ધ્યાન આપે છે તેના કરતાં ભગવાન પર આપ.આ ભગવાન નથી મંદિરમાં કે ખુદા નથી મસ્જીદમાં.ભગવાન તો બધે જ છે, કણ કણમાં છે અને તેને ખબર છે હું ભગવાનનાં દર્શન મને દેખાનાર દરેક માણસના મનની અંદર કરી લઉં છું કારણ કે તે બધાના મનમાં રહેલો છે અને બીજી એક એકદમ ખાસ વાત ભગવાન જ્યાં કૈંક ખોટું થતું હોય છે…જ્યાં કોઇ પણ માણસ કૈંક ન કરવાનું કામ કરે છે કે મનમાં ન વિચારવા જેવું વિચારે છે ત્યારે અચૂક ત્યાં હાજર હોય છે.તે બધું જ જુએ છે.સમજે છે.ચોપડામાં નોંધે છે અને તે પ્રમાણે કર્મફળ આપે છે.સમજ્યો તું તારા ભગવાનને ભજ.હું કોને ભજુ છું તે શોધવું રહેવા દે.’ફકીરે બહુ ઊંડી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top