પરવાનગી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ :
માત્રને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા નવા રોડને ખોદવમાં આવ્યો છે : જહા દેસાઈ
સ્માર્ટ સિટી વડોદરા શહેરના પંડ્યા બ્રિજથી નવાયાર્ડ સુધી એક મહિના પૂર્વે જ રૂ.5 કરોડના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે જીઈબી દ્વારા આ રોડ ઉપર લાઈન નાખવા સંખ્યા બંધ ખાડા ખોદવામાં આવતા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ કામગીરી કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે વોર્ડ 1ના કોંગ્રેસના કાઉન્સિલરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રોડ ઉપર ખાડા ખોદવાની પરવાનગી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંડ્યા બ્રિજ થી લઇ નવા યાર્ડ સુધી રૂપિયા પાંચ કરોડના ખર્ચે તાજેતરમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ જીઈબી દ્વારા આ રોડ ઉપર લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખાડા ખોદવામાં આવતા લોકોના વેરાના પૈસાનું પાણી થવા પામ્યું છે ત્યારે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જહા દેસાઈ અને હરીશ પટેલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે કાઉન્સિલર જહા દેસાઈએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો પછી આ અમારો જૂનો છાણી રોડ અમારી લડત બાદ મંજુર કરી 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. હજી એક મહિનો થયો છે રોડનું કામ પૂર્ણ થયે, તેમ છતાં કોર્પોરેશનના રોડ ડિપાર્ટમેન્ટના સંકલનના અભાવે જીઈબી દ્વારા અહીંયા રોડ પર ખાડા ખોદી લાઈન લઈ ગયા છે.
લોકોના વેરાના પૈસાનો આ રોડ બન્યો છે નહીં કે અધિકારીઓના પૈસે :
મારુ કહેવું એ છે કે 5 કરોડનો ખર્ચો કર્યો હોય તો કોર્પોરેશનને ખબર ન હતી કે આ જીઈબીવાળા લાઈન નાંખવાના છે. તો જે પણ અધિકારીએ આ કૃત્ય કર્યું હોય ,જેણે પણ આ રોડ ખોદવાની પરવાનગી આપી હોય તેની પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. રોડ પ્રોજેક્ટના એન્જીનિયરોને એટલું ભાન હોવું જોઈએ કે રોડ પર ખાડા ખોદવા હોય તો રોડ બન્યા પહેલા લાઈન નખાવી જોઈએ. પરંતુ આ માત્રને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને કોર્પોરેશનને આર્થિક નુકસાન જાય. લોકોના વેરાના પૈસાનો આ રોડ બન્યો છે નહીં કે અધિકારીઓના પૈસે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું હતું કે કોઈ પણ રોડ બને તો એને આપણે ત્યાં રોડ બન્યા પછી ખાડા ખોદી ડ્રેનેજ પાણીની લાઈનો નાખતા હોય છે એવું ન થવું જોઈએ તો પણ મુખ્યમંત્રીના આદેશને પણ ઘોડીને પીજનારા આ કોર્પોરેશનના એન્જિનિયરો ખરેખર એમની પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ મુખ્યમંત્રીને પણ હું પત્ર લખવાનો છું કે આવી બનેલા રોડ પર ખાડા ખોદવાની પરવાનગી કોણે આપી ?