સુરત(Surat): સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. શહેરના લાલદરવાજા વિસ્તારમાં રામપુરા (Rampura) સ્વામીનારાયણ સર્કલ પાસે સવારે 6 વાગ્યે એક્ટિવા (Activa) પર દંપતિ જઈ રહ્યું હતું ત્યારે મહિલાના હાથમાં રહેલા પર્સને એક સ્નેચરે આંચકી લીધું હતું. જેના લીધે દંપતિ અને સ્નેચર એક્ટિવા સાથે રસ્તા પર પડ્યા હતા. મહિલાના પતિ અને સ્નેચર વચ્ચે ખેંચાતાણી થઈ હતી, જેમાં સ્નેચરનો શર્ટ ફાટી ગયો હતો અને તે એક્ટિવા મુકી ભાગ્યો હતો.
બાદમાં પાછો આવી પર્સ અને એક્ટિવા બંને લઈ ભાગી ગયો હતો. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ખેંચતાણમાં મહિલાને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. દંપતિની ફરિયાદને પગલે સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી પોલીસે સ્નેચરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં મળતી માહિતી અનુસાર શહેરના મોટા વરાછામાં વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા મનસુખભાઈ ગોઠડીયા તેમના પત્ની વિજયાબેન સાથે મળસ્કે રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6:00 વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યું હતું.
દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર એક સ્નેચરે પાછળ બેઠેલા વિજયાબેનનું પર્સ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક પર્સ ખેંચવામાં આવતા વિજયાબેને તે પર્સને મજબૂતાઈથી પકડી લીધું હતું, જેના લીધે ખેંચાતાણી થતા મનસુખભાઈનું બેલેન્સ ખોરવાયું હતું અને તેઓ મોપેડ લઈ જમીન પર પટકાયા હતા. પાછળ બેઠેલાં વિજયાબેન પણ પડ્યા હતા. સ્નેચર પણ મોપેડ સાથે પડ્યો હતો, પરંતુ તે મોપેડ લઈ ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે મનસુખભાઈ અને અન્ય કોઈ વ્યક્તિએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો, જેમાં સ્નેચરનું શર્ટ ફાટી ગયું હતું, તેમ છતાં તે મોપેડ લઈ ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટનામાં પતિ-પત્નીને ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ
મોપેડ પર આવેલા સ્નેચર દ્વારા વિજયાબેનના પર્સને ખેંચવાની સમગ્ર ઘટના નજીકની બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું હતું કે, સ્નેચરને પકડી લેવાયો હતો. છતાં તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન હીરા દલાલે અને અન્ય એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા. જોકે તેમ છતાં સ્નેચર મોપેડ મૂકી ભાગવામાં સફળ થઈ ગયો હતો.
વિજયાબેનને ફ્રેક્ચર થતા દોઢ લાખનો ખર્ચ, પર્સમાં 340 રૂપિયા જ હતા
પર્સ સ્નેચિંગની આ ઘટનામાં મોપેડ પરથી પડી જવાના લીધે વિજયાબેનને ફ્રેક્ચર થયું હતું. તેમને દોઢ લાખના ખર્ચે સર્જરી કરાવવી પડે તેમ છે. વળી, સ્નેચરે જે પર્સ લૂંટ્યું તેમાં માત્ર 340 રૂપિયા જ હતા. 340 બચાવવા જતા દોઢ લાખનો ખર્ચ કરવાની દંપતિને નોબત આવી છે.