Dakshin Gujarat

સાયણમાં જાહેર રસ્તા ઉપર ગંદકી કરનારા 18 જણાને મહિલા સરપંચે બરોબરનો સબક શીખવાડ્યો

સાયણ(Sayan): સાયણમાં હાલ ચાલી રહેલ સ્વૈચ્છીક ડિમોલીશન (Demolition) કામગીરી દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપર ફરીથી લારી- ગલ્લાઓ મુકી ગંદકી કરનારા ઈસમો સામે ગામની મહિલા સરપંચે લાલ આંખ કરી દંડ (Penalty) ફટકારતા ગંદકી કરનારા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

જયારે સાયણ ગ્રા.પં.ના રાજકરણમાં સાયણના જાહર રસ્તાઓ સહિત બજારના દબાણોનું સંપૂર્ણ ડિમોલીશન કરવાની હિંમત અગાઉના એકપણ મર્દ સરપંચ કરી શક્યો નથી. જોકે બજારના નવનિમિર્ત રેલ્વે ઓવરબ્રીજના નિર્માણ સમયે માત્ર બજારમાં જુજ દબાણ દુર કરતા હાલમાં બજારમાં પ્રવેશવાની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. બજારના આ દબાણો પણ દુર કરવાની મહિલા સરપંચ જિજ્ઞાસાબેન ઠક્કરની હિંમત અભિનંદનને પાત્ર બની છે.

ઓલપાડ તાલુકામાં પરપ્રાંતિ માનવવસ્તી સાથે સ્થાનિકોની ગીચ વસ્તી ધરાવતા સાયણમાં ગંદકી, જાહેર રસ્તાઓ ઉપર ગેરકાયદેસર દબાણના કારણે ટ્રાફીક સમસ્યા માથાનો દુઃખાવો બની છે. જો કે દેલાડ ચાર રસ્તાથી સાયણ બજાર સુધી હાલમાં સી.સી.રોડ બનાવવાનું કામ મંથરગતિએ પ્રગતિમાં છે. જયારે સાયણ વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા ઈસમોનો રાફડો વર્ષોથી અડિંગો જમાવીને બેઠો હોવાથી સાયણમાં ગંદકી અને ટ્રાફીક સમસ્યા આમજનતા અને વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની હતી.

સાયણ વિસ્તારના રહીશોની લોકચર્ચા મુજબ ગ્રામ પંચાયતના વર્ષોના ઇતિહાસ મુજબ ગ્રા.પં.ના મતના રાજકરણમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે રાજકરણની ચાણક્ય નિતી માટે ચતુર ગણાતા અમિત શાહ પણ પાછા પડે તેવી રાજકીય ખો-ખો અને કબડ્ડીની રમત રમનારા અનેક ચતુર લોકોનો જોટો ઉડીને આંખે વળગે તેવો છે. જેના કારણે સાયણ માંથી ગંદકી અને દબાણનું સંપૂર્ણ સામ્રાજ્ય દુર કરવા અગાઉના એકપણ મર્દ સરપંચે હિંમત કરી નથી.

પરંતુ હાલમાં સાયણ ગ્રા.પં.ની મહિલા સરપંચ અને એડવોકેટ જિજ્ઞાસાબેન ઠક્કરે સરકારના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના સાથ-સહકારથી સાયણની તાસીર બદલવા આ બંન્ને બદીઓ દુર કરવા કમર કસી છે. આ દબાણ દુર કરવા સરપંચ જિજ્ઞાસા ઠક્કરે મર્દ સરપંચની કામગીરીને પણ શરમાવે તે રીતે દબાણ કરનારા લોકોને તાકીદે સ્વૈચ્છીક દબાણ દુર કરવા નોટીસ ફટકારતા હાલમાં સ્વૈચ્છીક ડિમોલીશનની કામગીરી પ્રગતિમાં છે.

આ ઉપરાંત મહિલા સરપંચે સાયણ ટાઉનમાં સૌથી વધુ ગંદકી ફેલાવતી ખાનગી જમીનોમાં ભરાતી અઠવાડિક શનિવારી અને ગુરૂવારની હાટ બજાર પણ બંધ કરાવવામાં સફળતા મેળવી છે. જયારે રાત્રે સાયણની આ મહિલા સરપંચ સાંજ પડે ને ગ્રામ પંચાયત કચેરીના તલાટી સહિતના સ્ટાફ સાથે સાયણમાં સ્વયં નીકળે છે અને જાત નિરીક્ષણ કરી જાહેર રસ્તાઓ ઉપર લારી-ગલ્લા મુકી ગંદકી કરનારા ઈસમોને સ્થળ ઉપર જ દંડ ફટકારી રસીદ પકડાવી દેવાની બાહોશ કામગીરી પ્રસંશાને પાત્ર બની છે.

મહિલા સરપંચે છેલ્લા ત્રણ ચાર દિવસોમાં જાહેર રસ્તાઓની લાઈનદોરીમાં દબાણ કરી લારી-ગલ્લા મુકી ગંદકી કરનારા 18 થી વધુ ઈસમોને રૂપિયા એક હજાર લેખે દંડ ફટકારી રકમ વસુલી છે.જયારે હાલમાં સાયણના મુખ્ય ચાર જાહેર રસ્તાઓ પૈકી દેલાડ ચાર રસ્તાથી સાયણ બજાર, સાયણ સુગર રોડ, સાયણ-સિવાણ રોડ અને સાયણ પૂર્વ દિશામાં ઝટકાદેવી મંદિર સુધી નિયત સમય મર્યાદામાં જો દબાણ ન હટશે તો બુલડોઝર ફેરવી હટાવવા નોટીસ ફટકારી હતી.

જો કે આ નોટીસ બાદ રસ્તા ઉપર દબાણ કરનારા લોકોએ મુદત માંગતા લોકો સ્વૈચ્છીક ડિમોલીશનની કામગીરી ચાલુ છે.જેના પગલે સાયણની મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરની બંન્ને બદીઓ દુર કરવા શરૂ કરેલ કાબેલિયાત કામગીરી અભિનંદનને પાત્ર બની છે.

Most Popular

To Top