દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે બેન્ક ખાતુ પુન: શરૂૂ કરવાનું કહી દંપતી પાસેથી ચાર લાખ પડ઼ાવ્યાં
* દેવગઢબારીયા પો.સ્ટેશનના કોન્સ્ટેબલે પોતાની ઓળખ પી.એસ.આઇ.તરીકે આપી રૂપિયા પડાવ્યા
*સાઇબર ક્રાઇમના બનાવની આશંકાએ હરિયાણાના મહિલા પોલીસ કર્મીનું બેન્ક એકાઉન્ટ બ્લોક થયુ હતું
*દંપતી ફરિયાદ નોંધાવવવા માટે આવતા પોલીસ કોન્સ્ટેબલના કૌભાંડનો પર્દાફાશ
બેંક ખાતા ફ્રીઝ કરાવી છેતરપિંડી આચરનાર તરલ ભટ્ટ જેવો પોલીસ કોન્સ્ટબલ દેવગઢ બારીયામાં સામે આવ્યો છે. જેમા દેવગઢબારિયા પોલીસ મથકમાં કોન્સ્ટેબલે પીએસઆઇ તરીકે ઓળખ આપી હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહીલા તેમજ તેના પતિને ધમકાવી સાયબર ક્રાઇમમાં બ્લોક થયેલા ખાતાને ચાલુ કરાવવાનું કહીને ચાર લાખ ખંખેરી લીધા હતા. જેથી મહિલાઓ દેવગઢ બારિયા પોલીસમાં સ્ટેશન આવતા કોન્સ્ટેબલના કૌભાંડનો ભાંડો ફુટી ગયો છે. મહિલા પોલીસ કર્મીએ બારીયાના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા સમગ્ર મામલો પંથકમાં ટોફ ઓફ ધી ટાઉન બન્યો છે. .
જનતાને કોઈ ખોટી રીતે પૈસાની માંગણી કરે છે તો પોલીસનો સંપર્ક કરવા માટેની સલાહ અપાતી હોય છે, પરંતુ અહીંયા તો પોલીસે જ અન્ય રાજ્યની પોલીસ કર્મીને ક્રાઈમની ફરિયાદ નોંધાવી છે જેમાં તપાસના નામે ધમકાવી ચાર લાખ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં આજથી એક વર્ષ અગાઉ દેવગઢ બારીયાના રહેવાસી શિક્ષકના બેન્ક એકાઉન્ટમાંથી બે લાખ ઉપરાંતની રકમ ઉપડી ગઇ હતી. સાયબર ફ્રોડ કરનાર ટોળકીયે શિક્ષકના બેન્ક એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખંખેરી લીધી હતી. જેથી શિક્ષકે સાઇબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ દાખલ કરાવી હતી. જેની તપાસ કરતા રેલો દેવગઢબારિયા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેમાં દેવગઢબારિયા પોલીસે જે ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ હતી તે તમામ ખાતાઓ સીઝ કરતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી કોમલબેન અમરદીપ સિંહ (રહે. ફરીદાબાદ હરિયાણા)ના બેંક એકાઉન્ટ બ્લૉક થયું હતું. મહિલા પોલીસ કર્મી તેમજ તેમના પતિ જગવીર અમરસિંગ સીંગ બેંકમાં તપાસ કરતા તેમનું બેંક એકાઉન્ટ દેવગઢ બારીયા પોલીસ દ્વારા સીઝ કર્યું હોવાનું બન્નેએ દેવગઢ બારીયા પોલીસનો સંપર્ક કરતા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેેબલ અનિલ સોલંકીએ પતી પત્નીને પીએસ આઈ તરીકેની ખોટી ઓળખ આપી તમે સાઈબર ફ્રોડ કરો છો તેમ કહી ધમકાવ્યા હતા.ઉપરાંત તેમના બ્લૉક થયેલા એકાઉન્ટને શરૂ કરવા માટે ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ મહિલા પોલીસ કર્મીનો બેંક એકાઉન્ટ ચાલુ ના થતા આખરે દેવગઢ બારીયા પોલીસ મથકે સંપર્ક કરતા પોલીસ કોન્સ્ટેબલના કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો. મહિલા પોલીસ કર્મી પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનો અહેસાસ થતા દેવગઢ બારીયા પોલીસ મથકના કોન્સ્ટેબલ અનિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલા પોલીસ કર્મી બેંકમાં પૈસા ઉપાડવા જતા એકાઉન્ટ બ્લોક થયાની જાણ થઈ
હરિયાણા પોલીસમાં ફરજ બજાવતી કોમલબેન સિંઘના અકાઉન્ટમાંથી 32 હજારની રકમ જમા હતી.જેથી તેઓ એટીએમમાં પૈસા ઉપાડવા જતા બેંક એકાઉન્ટ ખાલી થયાનું માલુમ પડતા તેઓએ બેંકનો સંપર્ક કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે સાયબર ક્રાઇમના કેસમાં તમારો બેન્ક એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યો છે. જે બાદ આખો મામલો સામે આવ્યો હતો.
*મહીલા પોલીસ કર્મીએ ઉછીના આપેલા પૈસા બેંક એકાઉન્ટમાં લેતા એકાઉન્ટ ફ્રીઝ થયો.
હરિયાણા પોલિસમાં નોકરી કરતી કોમલબેને કોઈક ઓળખીતાને 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જે ઉછીના પૈસા કોમલબેને ઓનલાઇન મારફતે પોતાના એકાઉન્ટમાં લીધા હતા. તેઓને આ બાબતથી અજાણ હતા કે દેવગઢ બારીયાના શિક્ષકના આમાંથી ઉપાડેલા બે લાખ રૂપિયામાંથી 50 હજારની રકમ અન્ય બેન્ક એકાઉન્ટ મારફતે મહીલા પોલીસ કર્મીના ખાતામાં આવી હતી.