Madhya Gujarat

આણંદમાં વિદ્યાર્થીઓએ કાર ચાલકને ફાંસી આપવાની ઉગ્ર માંગણી કરી

આણંદ તા.5
આણંદ તાલુકાના નાવલી – નાપાડ રોડ પર દહેમી ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રણ બાઇક હડફેટે ચડી હતી. જેમાં ચારનુ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે હોમિયોપેથીક વિદ્યાર્થીનું પણ મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર ચાલકને ફાંસી આપવા માગણી કરી હતી.
આણંદના દહેમી ગામ પાસે 2જી ફેબ્રુઆરીની મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે આગળ જતી બાઇક હડફેટે ચડી ગઈ હતી. આ અકસ્માત બાદ કાર ચાલકે વધુ ઝડપે ભગાવતા સામેથી આવતી અન્ય બે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારનું મોત નિપજ્યું હતું. આ ચારમાં હોમિયોપેથિક વિદ્યાર્થી જતીનભાઈ લાલજીભાઈ હડીયા (ઉ.વ.21, રહે. સુરત), અંકિતાબહેન વાલજીભાઈ બલદાણીયા (રહે. ભાવનગર)નું મોત નિપજ્યું હતું. જ્યારે આયુષી નરેશકુમાર મોહનલાલ ગુપ્તા (રહે. આણંદ)ને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે હોમિયોપેથિક વિદ્યાર્થીઓમાં શોકની લાગણી જન્મી હતી. જે સંદર્ભે સોમવારના રોજ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અકસ્માત સર્જનાર કાર ચાલક જેનીસ હુજીસ પટેલ (રહે. નાપાડ તળપદા, આણંદ)ને ફાંસીની સજા કરવા માગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top