નડિયાદ, તા.5
નડિયાદ નગરપાલિકાની માલિકીની દુકાનો ખાલી કરાવવાના ઠરાવથી વેપારીઓ ગિન્નાયા છે. આ અંગે સોમવારે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાની આપવીતી જણાવી પાલિકાની નીતિ સામે રોષ ઠાલવ્યો હતો. તો આ સાથે જ નડિયાદ નગરપાલિકાએ 1984માં 269 દુકાનો વેચાણ આપવા માટે નાણાં લીધા હતા અને બાદ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જેથી પાલિકા વેપારીઓના પૈસા દબાવી બેઠી હોય, તે અંગે પણ યોગ્ય કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
નડિયાદ નગરપાલિકાની માલિકીની દુકાનોના ભાડુઆતો પુનઃ પોતાની રજૂઆત લઈ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા. વર્ષ 2022ના ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય સભામાં નગરપાલિકાના સત્તાધારીઓએ એક ઠરાવ કર્યો હતો. આ ઠરાવમાં નડિયાદ નગરપાલિકા હસ્તકની તમામ દુકાનો ખાલી કરાવવા માટે નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ વેપારીઓ આ નિર્ણયથી રોષે ભરાયા હતા અને આ મામલે અનેક રજૂઆતો કરી હતી. જો કે, તેમની રજૂઆતો ધ્યાને લેવાઈ નથી અને એક બાદ એક દુકાનોના પટ્ટા ખાલી કરાવવા પાલિકા પ્રયત્ન કરી રહી છે. ત્યારે વેપારીઓ આ મામલે જણાવી રહ્યા છે કે, નડિયાદ નગરપાલિકાની આ અણધારી નીતિના કારણે શહેરના તમામ વેપારીઓ રસ્તા પર આવી જશે. જો કે, નગરપાલિકાની નીતિ સામે વેપારીઓ પાસે વિરોધ કરવા સિવાય કાંઈ વધ્યુ નથી.
જો કે, આ તમામ વચ્ચે સૌથી મહત્વની અને ચોંકાવનારી વિગતો એવી છે કે, નડિયાદ નગરપાલિકાના જે-તે સમયના પ્રશાસનીક અધિકારીઓ અને સત્તાધારીઓએ 1984માં 567 દુકાનો વેચાણ આપી હતી. જે પૈકી 269 દુકાનો અંગે જે-તે વેપારીઓ પાસે વેચાણના નાણાં લીધા હતા, પરંતુ આ દુકાનોના દસ્તાવેજો કરી આપ્યા ન હતા. ત્યારે સરકારી પાંખ હોવા છતાં દસ્તાવેજો ન કરી પૈસા ચાઉં કરી જવા અંગે વેપારીઓ ગિન્નાયા છે અને જણાવ્યુ છે કે, જો સરકારનો જ એકમ ખુલ્લેઆમ આ પ્રકારની ગેરરીતિ કરતો હોય અને પૈસા લઈને પણ દસ્તાવેજ ન કરી આપતો હોય, ત્યારે કેવા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ત્યારે હવે આ સમગ્ર મામલો જ્યારે નડિયાદ નગરપાલિકા પ્રાંત અધિકારી સમક્ષ લઈને ગઈ હોય, ત્યારે પ્રાંત અધિકારીને આજે આ મામલે લેખિત રજૂઆત કરી ભાડુઆતોએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમને સાંભળવામાં આવે તેવી આજીજી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નડિયાદ ધારાસભ્યએ પણ થોડા દિવસ પહેલા ભવિષ્યમાં રોડ પહોળા કરવા દુકાનો તોડવાની થઇ શકે છે. જેમાં વેપારીઓએ શહેરના વિકાસ માટે સહયોગ આપવો પડશે. તેવી અપીલ કરી હતી. જોકે, તે સમયે જ કેટલાક વેપારીઓે ફાળ પડી હતી.
નડિયાદમાં 600 દુકાન ખાલી કરાવવાના નિર્ણયથી રોષ
By
Posted on