Charchapatra

ઘોડા નાસી ગયાં પછી તબેલાને તાળાં મારવાનો શું ફાયદો છે?

આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં કરે છે. પરંતુ દુ:ખદ બાબત એ છે કે, જ્યારે કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય છે, ત્યારે તમામ સરકારી તંત્રો નિંદ્રામાંથી સફાળા જાગીને દોડધામ મચાવી દે છે. વડોદરા ખાતે હરણી તળાવમાં જે દુર્ઘટના બની એમાં લગભગ ૧૫ જેટલાં નાનાં અને નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો તથા બે શિક્ષિકાઓનાં મોત થયાં, પરંતુ જ્યારે બોટિંગ ચાલું હતું ત્યારે કોઈ પણ ખાતાના ઉપરી અધિકારીઓએ જાણવાની તસ્દી લીધી ન હતી કે બોટમાં દરરોજ કેપેસીટી (ક્ષમતા) કરતાં વધારે સહેલાણીઓને બેસાડવામાં આવે છે, બોટનો કોન્ટ્રાકટર કોણ છે? બોટ કોણ ચલાવી રહ્યું છે વિગેરે. પરંતુ જેવી દુર્ઘટના બની કે તમામ ખાતાનાં અધિકારીઓ, પોલીસ પાર્ટી, ફાયર બ્રિગેડ જેવાં ખાતાઓ એકદમ હરકતમાં આવી ગયાં.

આપણે ત્યાં કહેવત છે કે “ખાળે ડૂચા અને દરવાજા મોકળા” દુર્ઘટના બનતાં અગાઉ કોઈ પણ પ્રકારના પગલાં, મરામત, ચકાસણી, પરવાનગી, લાયસન્સ આ બધી બાબતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ હરિણી જેવી અણધારી અને આકસ્મિક ઘટના ઘટે ત્યારે છૂટવા માટે એકબીજાની ઉપર માછલાં ઘોવે છે. મીડીયા કર્મીઓ પણ એ જ ઘડીએ પહોંચીને એકને એક કલિપીંગો બતાવીને પોતાની ટીઆરપી વધારવાનું કામ કરે છે. થોડાં સમય અગાઉ સુરત શહેરમાં આગની જે દુર્ઘટના બની હતી એમાં સેફટીના સાધનોની અપૂર્તતાને કારણે કેટલાય નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. દિવાળીમાં પણ અગાઉથી મિઠાઈ કે ફરસાણના નમૂનાઓ ચકાસવામાં આવતાં નથી, પરંતુ એકસામટા ૧૦૦ થી ૨૦૦ વ્યક્તિઓને ફૂડપોઈઝનીંગ થાય અને સમાચારો ચગે પછી પાલિકાથી માંડીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ હરકતમાં આવીને થોડી હોહા કરે છે અને પૈસા ખાઈને આંખ આડાં કાન કરતાં રહે છે.

આપણાં દેશમાં હવે ભ્રષ્ટાચારનું, લાગવગનું અને ભેળસેળનું ઝેર છેક નીચેથી ઉપર સુધી પહોંચી ગયું છે તેથી વેપારીઓને, સરકારી અધિકારીઓને કે રાજકારણીઓને માત્રને માત્ર પૈસા બનાવવામાં જ રસ છે, પરંતુ આમ જનતાનાં સુખ દુઃખની એમનાં આરોગ્ય અને સ્વાસ્થ્યની તથા એમની જિંદગીની કોઈ પડી નથી. આજે દૂધથી લઈને તમામ ચીજવસ્તુઓ નકલી અને ભેળસેળ વાળી હોય છે. માણસની જિંદગી હવે કૂતરાં કરતાં ય બદતર બની ગઈ છે. કોઈને લાજ, શરમ, મર્યાદાનું કોઈ મૂલ્ય જ સમજાતું નથી. આજે કોઈમાં ચારિત્ર્ય જેવું આભૂષણ જોવા મળતું નથી. દરેકને હવે આ વાત કોઠે પડી ગઈ છે. સરકારી અધિકારીઓ, સગાંવહાલાંઓ તમામ બે ચાર વખત આવીને ખોટાં આશ્વાસન આપીને ચાલ્યાં જાય છે. સરકાર તમારા અને મારા ટેક્સના કપાત કરેલ નાણાંમાંથી મૃતક કે ઘાયલ વ્યક્તિઓને સરકારી રાહત આપી વાહ વાહ મેળવવાનું કામ કરે છે.

મીડીયાવાળા પણ થોડા દિવસ આ સમાચારો ચમકાવીને બીજા સમાચાર લેવા દોડધામ કરે છે. આમ આખી ઘટના ચલચિત્રની પટ્ટીની માફક ચાલી જાય છે. પ્રજાજનો પણ થોડાં દિવસ સારી અને નરસી વાતો કરીને દરેક ઘટનાને ભુલી જાય છે. પરંતુ “ Prevention is better than Cure” એ કહેવત અનુસાર કોઈ દુ: ખદ ઘટના બનતાં પહેલાં જ યોગ્ય કાળજી લેવામાં આવે તો દુર્ઘટનામાંથી ઉગરી શકાય છે. ખેર જે બનવાનું હતું એ બનીને જ રહ્યું છે, ફકત જે માવતરે પોતાનાં વહાલસોયા બાળકો ગુમાવ્યા છે એમને જ જિંદગીભર રોવાનો વારો આવ્યો છે.
હાલોલ    – યોગેશભાઈ આર જોશી          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top