Charchapatra

ચૂંટણીલક્ષી નાટક

ભારતના પ્રધાનમંત્રી મોદીજી 2024નો ચુનાવી જંગ જીતવા માટે ધર્મરૂપી રામ મંદિરના મુદ્દાનું રાજનીતિકરણ કરવા મરણિયા થયા છે. અધૂરા બનેલા રામ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી દેશભરમાં ટી.વી. અને મિડિયામાં છવાઈ જવા માંગે છે. અધૂરા મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષઠા કદી ના થઈ શકે એમ હિંદુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓ કહી રહ્યા છે. મોદીજીના ચુનાવલક્ષી નાટકમાં સહભાગી થઈ તાળીઓ પાડવાની એમણે ધરાર ના પાડી દીધી છે. પણ સત્તાધારી મોદીજી જીદે ચડ્યા છે અને ઇતિહાસમાં અમર થઈ જવા માંગે છે. મોદીજી ભાજપ-સંઘ પરિવાર અને પાલતુ મિડિયાના જોરે દુનિયામાં છવાઈ જવા માંગે છે. તેથી ચારેય શંકરાચાર્યોના વિરોધ અને સૂચનોને ફગાવી દીધા છે.

મંદિરના આમંત્રણમાંયે રામમંદિર માટે ફના થનારાઓની બાદબાકી થઈ છે અને માત્ર મોદીજીના પ્રિય મિત્રો અદાણી અને અંબાણી મુખ્ય છે. સર્વોચ્ચ એવા આદિવાસી રાષ્ટ્રપતિનેય સાઇડ ટ્રેક કરાયાં છે. આ તમાશાબાજી ભારતની રાજનીતિનું રર્નિંગ પોઇંટ બની શકે છે અને હિંદુ-મુસ્લિમ દુશ્મનીના લાંબા ગાળાનાં કારણો પૂરાં પાડી શકે છે. સાથે જ રામ મંદિરની લડતમાં આગળ રહેનારા અને આમંત્રણમાંથી બાકાત રહેનાર સમાજો યે વંકાવાના છે. બૌધ્ધ લોકો તો ક્યારના અયોધ્યાને બુદ્ધની સાકેત નગરી જણાવી રહ્યા છે! ધર્મની નૌટંકી અને રાજનીતિકરણ દેશને ખતરનાક પરિસ્થિતિઓમાં ધકેલી શકે છે.
સુરત     – જિતેન્દ્ર પાનવાલા           -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મજબૂરી કે છટકબારી
વર્તમાન પત્રોમાં છાશવારે એકાંતમાંથી બાળકોની લાશ મળી આવવાના સમાચાર વાંચવા મળે. આવા સમાચાર સમાજની તાસીર ખુલ્લી પાડે છે. વિજ્ઞાનના વિકાસ સાથે આવાં બાળકો જન્મે, સગેવગે કરવાં પડે ત્યાં સુધી બેસી રહેવાની કંઇ મજબૂરી હોય તે તો આચરનાર જ જાણે. અનૌરસ બાળકની જવાબદારી ઉપાડવાની હિંમત ન હોય તો શરૂઆતના સ્ટેજમાં ઘણા ઉપાયો છે તે કેમ નથી અજમાવાતા? મ્હોં છૂપાવવા આવા કેસો દેશને ખૂણે ખૂણે બને છે. દત્તક લેવાની પ્રથા જૂજ છે. બીજી તરફ કૃત્ય કરનાર પ્રત્યે ફિટકાર – ઘૃણા વરસાવવામાં આવે. બાળકના જન્મ સુધીના સ્ટેજે પહોંચવું નહીં. શું એનો ઉપાય નથી? ગર્ભપાત થકી જન્મતા અનૌરસ બાળકો તો અટકે. સમાજનો ભાર પણ ઘટે.
સુરત     – કુમુદભાઈ બક્ષી   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top