એક દિવસ રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, ‘આપણી પ્રજા અને નગરને સુખી બનાવવા માટે આપણે તેમને બધી સગવડો આપીએ છીએ.બધાને ભોજન મળે..ઘર મળે..તન ઢાંકવા કપડાં મળે એથી આગળ વધીને વિદ્યા મળે…સારવાર મળે તે માટે ઘણી વ્યવસ્થા કરીએ છીએ અને કરતા રહીએ છીએ …પણ આજે મારો પ્રશ્ન છે કે આપણી રૈયત ..આપણો સમાજ વધુ સુખી અને સંસ્કારી બને તે માટે આપણે અને આપણી પ્રજાએ શું છોડવું જોઈએ?’
દરબારીઓ એક પછી જવાબ આપવા માંડ્યા. કોઈકે કહ્યું ‘પાન તમાકુના વ્યસન’તો બીજાએ કહ્યું, ‘દારુ’— ત્રીજાએ કહ્યું, ‘જુગાર’..એક મંત્રી બોલ્યા, ‘મહારાજ બધાએ આળસ છોડવી જોઈએ.’ આ જવાબ સાંભળી રાજા ખુશ થયા.બીજા મંત્રી બોલ્યા, ‘વેર-ઝેર છોડવાં જોઈએ.’વળી અન્યે કહ્યું, ‘દેખાદેખી છોડવી જોઈએ.’એક સમાજસુધારક બોલ્યા, ‘દહેજ જેવા બધા જ કુરિવાજો છોડી દેવા જોઈએ.’બધાના જવાબ સમાજને સુખી કરવા માટે અને સંસ્કારી બનાવવા માટે અનુરૂપ હતા.
આટલા જવાબ સાંભળી રાજા બોલ્યા, ‘આજે આ દિશામાં વિચાર્યું તો સમજાય છે કે મેળવવા કરતાં કે આપવા કરતાં ..કેટલું બધું એવું છે, જે છોડી દઈએ કે છોડતાં શીખવી દઈએ તો બધાનું કલ્યાણ થાય. રાજાના દરબારમાં એક સાધુ આવ્યા હતા. તેઓ આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે હસીને કહ્યું, ‘રાજન, હું જે કહું તે જો બધા છોડી દેશે તો સમાજનું પલકવારમાં કલ્યાણ થઈ જશે.’આખો દરબાર વિચારવા લાગ્યો કે, ‘કેટલું બધું તો વિચાર્યું અને બધાએ કહ્યું, હજી આ સાધુ શું કહેશે.’રાજાએ કહ્યું, ‘સાધુ તમે શું કહેવા માંગો છો જણાવો.’ સાધુ બોલ્યા, ‘રાજન, આ બધા દરબારીઓના જવાબ સાચા છે. પણ સમાજમાં એક સાથે બધાને સુખી કરવા માટે સૌથી વધારે છોડવા જેવી બાબત છે — ‘જીવનમાં જો કંઈ છોડવા જેવું છે તો પોતાને મોટા અને સર્વગુણસંપન્ન દેખાડવાનું છોડી દો અને બીજાને નીચા અને અજ્ઞાની ,અવગુણી સાબિત કરવાનું છોડી દો. બધા પોતાને મોટા સાબિત કરવાની દોડમાં દોડે છે..
પોતાના અહંકારને પોષવામાં કંઈ કેટલાનું અહિત કરી નાખે છે.બે જણા મળીને ત્રીજાને એટલો નીચો સાબિત કરવામાં, નિંદા અને કૂથલી કરવામાં સમય બરબાદ કરે છે.જો તમારે સમાજને સ્વસ્થ, સંસ્કારી અને વિકસિત બનાવવો હોય તો દરેકને પોતાની મોટપનાં ગાણાં ગાવાનું છોડવા કહો અને અન્યની નાનપ તરફ આંગળી ચીંધવાનું છોડી દેવા સમજાવો.’સાધુનો સુંદર જવાબ સાંભળી રાજા પોતાની મોટપ છોડી સિંહાસન પરથી ઊભા થઈ તેમની ચરણવંદના કરી અને ઠેર ઠેર પ્રજામાં જાગૃતિ લાવવા સાધુનાં પ્રવચનો ગોઠવ્યાં.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.