SURAT

હિરા વેચવા લઈ ગયા બાદ પાછા આવ્યા જ નહીં, મહિધરપુરાના વેપારી સાથે ઠગાઈ

સુરત (Surat): કાપોદ્રા (Kapodra) ખાતે રહેતા અને મહિધપુરામાં (Mahidharpura) હિરાનો (Diamond) વેપાર કરતા વેપારી પાસેથી બે ભાગીદારોએ 21.55 લાખના હિરાનું પેકેટ વેચવા (Diamond Sell) લઈ ગયા હતા. બાદમાં હિરા કે પૈસા પરત નહી આપી છેતરપિંડી (Cheating) કરી હતી. આવી જ રીતે અન્ય એક વેપારી પાસેથી પણ 5.79 લાખના હિરા લઈ જઈ છેતરપિંડી કરી હતી.

  • મહિધરપુરાના વેપારીના હિરા વેચવા માટે લઈ ગયા બાદ બે જણા છૂમંતર થઈ ગયા
  • મહિધરપુરા ખાતે બે ભાગીદારોએ બે હિરા વેપારી સાથે કુલ 27.34 લાખની છેતરપિંડી કરી
  • બંને વેપારીઓ પાસેથી હિરાનો માલ વેચવા લઈ જઈ બાદમાં પેકેટ પરત નહીં આપી ઓફિસ અને ફોન બંધ કરી નાસી ગયા

કાપોદ્રા ખાતે સાંઈનાથ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય મહેશભાઈ શિવાભાઈ નાકરાણી મહિધરપુરા હિરાબજારમાં હિરાનો વેપાર કરે છે. મહેશભાઈએ મહિધપુરા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ સવજીભાઈ કુકડિયા (રહે. નવકાર રેસીડેન્સી પાસોદરા, કામરેજ) અને ભાવીનભાઈ ઉર્ફે લાલુભાઈ સુથાર (રહે. ઇંદીરાનગર, હિરાબાગ, કાપોદ્રા) ની સામે ફરિયાદ (Complaint) નોંધાવી છે.

એકાદ વર્ષ પહેલા મહેશભાઈને મુલાકાત અલ્પેશ કુકડીયા સાથે થઈ હતી. ગત દિવાળીએ અલ્પેશભાઈએ મહિધરપુરા હિરા બજારમાં પીપળા શેરી શાશ્વત બિલ્ડીંગમાં ઓફિસના ઉદ્ઘાટનમાં બોલાવ્યા હતા. જ્યાં અલ્પેશભાઈએ તેમના ભાગીદાર તરીકે લાલુભાઈ સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં હિરાનો માલ આવે તો તેમને આપવાનું કહેતા તેમની સાથે ધંધો શરૂ કર્યો હતો.

મહેશભાઈ હિરાના પેકેટ અપતા બે વખત સમયસર પેમેન્ટ આપ્યું હતું. તો બે વખત માલ નહીં વેચાતા હિરાના પેકેટ પરત આપી દીધા હતા. આ રીતે શરૂઆતમાં તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ઓક્ટોબર 2023 માં તેમની પાસે રફ હિરાની ડિમાન્ડ હોવાનું કહીને મંગાવ્યો હતો. મહેશભાઈએ તેમના મિત્ર મુકેશભાઈ પાસેથી 431.15 કેરેટના હિરા ખરીદી અલ્પેશભાઈને આપ્યા હતા. સાંજે આ હિરાનું પેકેટ હાલ ભાવતાલની વાત ચાલતી હોવાથી પેકેટને સીલ માર્યુ છે તેમ કહ્યું હતું.

બીજા દિવસે પણ વેપાર થયો નથી તેમ કહીને હિરાનું પેકેટ પરત લઈ ગયા હતા. તે દિવસે પણ ધંધો નહી થતા મહેશભાઈએ આ હિરાના પેકેટ પરત માંગ્યા હતા. અલ્પેશભાઈએ પોતે વેસુ મીટીંગમાં જતા હોવાથી કાલે સવારે આપી જઈશ તેમ કહ્યું હતું. બીજા દિવસે મહેશભાઈ હિરાબજાર પહોંચી જઈ અલ્પેશને ફોન કરતા પોતે આવી રહ્યો હોવાનું કહ્યું હતું.

ત્રણેક કલાક પછી પણ નહી આવતા બાદમાં ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. બાદમાં તેમના ભાગીદાર લાલુભાઈએ પણ યોગ્ય જવાબ નહીં આપી નીકળી ગયા હતા. બંને ભાગીદારોએ 21.55 લાખના હિરા લઈ જઈ પરત નહીં આપી છેતરપિંડી કરી છે.

1 નવેમ્બર 2023 ના રોજ હિરાબજારમાં વેપારીઓ ભેગા થયા હતા ત્યારે મહેશભાઈને જાણવા મળ્યું હતું કે, અલ્પેશ કુકડીયા તથા તેમનો ભાગીદાર ભાવીન ઉર્ફે લાલુ અન્ય એક હિરા વેપારી રાજુભાઈ બાબુભાઈ ઇટાળિયાના પણ બે પેકેટ 5.79 લાખના હીરા લઈ નાસી ગયા છે. મહિધરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top