અયોધ્યામાં રામોત્સવ થકી વિશેષ દિવાળી થઇ. ભારતનાં તમામ રાજયોમાં લાખોની સંખ્યામાં દીવડા ઝળહળ્યા. ગરીબો નિર્ધન હોવાથી વીજળી બત્તી તો દૂર રહી, તેલી દીવા કે ફાનસનો પણ અભાવ તેમના જર્જરિત આવાસોમાં હોય છે. તેમને રાંધણ માટેય તેલનો અભાવ રહે છે. આવા સંજોગોમાં તેલસભર ઝળહળતા લાખો દીવડા તેમને આકર્ષે છે. ઉત્સવનો પ્રકાશ તેમના અંધકારને દૂર કરવાની લાલચ પ્રગટાવે છે. મોડી રાતે લાખો પ્રજવલિત દીપોમાંથી તેલ કાઢી લેવા નિર્ધન લોકોને તક મળી જાય છે. એ તેલ તેમને ત્યાંના અંધકારને દૂર કરી શકે તેવો આશય તેમના મનમાં રમે છે. ગુજરાતના એક શહેરમાં ધાર્મિક વિધિ સાથે સેંકડો મણ શુદ્ધ ઘીનો અભિષેક થાય છે ત્યારે તેના રેલા રસ્તા પર ફરી વળે છે.
રેડાયેલા અને વહેતી સરિતા સમાન એ પ્રવાહી ઘી ગરીબોને માટે તો જીવનજરૂરિયાત એટલે દીન દલિતો રસ્તાઓ પર પલ્લી વિધિના રેડાયેલા અને માર્ગ પર પ્રસરેલા ઘીના પ્રવાહમાંથી ઘી એકઠું કરવા લાગે છે. જેથી તેમના અભાવગ્રસ્ત ઘરોનો જીવનજરૂરિયાતનો અંધકાર દૂર થઇ શકે છે. વર્ષો પૂર્વે મહેબૂબ ખાનની ફિલ્મ ‘રોટી’માં ધનિકોની વૈભવી વિલાસવાલી પાર્ટીનો જમણ એંઠવાડ કચરાપેટીમાં પધરાવતા ફૂટપાથ પરના દીનદુ:ખીઓ કચરાપેટી પર પશુ સમાન તૂટી પડે છે. જઠરાગ્નિના અંધકારને ટાળવા મથે છે. ઉત્સવ ઉજવવા લાખો દીવડા પ્રગટાવવા સાથે ભૂખ્યા, દુખિયા ગરીબોના અંધકારને દૂર કરવાનો પણ કલ્યાણકારી વિચાર ઝબકવો જોઈએ. ગરીબોની લાચારી દૂર કરવા માનવતા પોકારી રહી છે. તેમાં આંશિક યોગદાન પણ મહત્ત્વપૂર્ણ ગણાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે
સેનાપતિ વિનાની સેના
નીતીશકુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે 9મી વાર શપથગ્રહ લીધા અને એનડીએ રાજદના સમર્થનથી સરકાર બનાવી દીધી અને પોતાની સેઇફ સાઇડ કરી લીધી છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ વેળાની ચૂંટણીમાં મોદીને પીએમ પદેથી હટાવવા માટે નીતીશકુમારે 27 જેટલા ઘટક પક્ષો સાથે મહાગઠબંધન ઇન્ડિયા બનાવ્યું હતું. જેના મુખ્ય સેનાપતિ ગણાતા નીતીશકુમારે એનડીએમાં જોડાતાં હવે સેનાપતિ વિનાની સેના થઇ છે તેવો ઘાટ થયો. ગઠબંધનની જયારે પણ મીટીંગો મળતી ત્યારે સીટોની વહેંચણી બાબતે વિવાદ થતો અને ભંગાણ થવાના અણસાર ઊભા થયા છે.
કેમકે પ.બંગાળમાં મમતા બેનરજી આપના કેજરીવાલે પોતનો પક્ષ અલગ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે. યુ.પી.માં અખિલેશ યાદવ અને માયાવતીએ પણ ગઠબંધન સાથે રહેવા તૈયાર નથી તે જોતાં એવું લાગે છે કે ગઠબંધનની હાલત લગ્ન પહેલાં જ છૂટાછેડા જેવી લાગે છે. નીતીશકુમાર અઠંગ ખેલાડી જેવા છે. એટલે તેમણે પાણી પહેલાં પાળ બાંધી દીધી. મોદી, અમિત શાહને તો શાંતિ થઇ ગઇ કેમકે ઇન્ડિયા સંગઠનનો જાની દુશ્મન નીતીશકુમાર પોતાની છાવણીમાં આવી જતાં જાની દોસ્ત બની ગયો છે. અબ કોંગ્રેસ બીજા વિપક્ષોનું શું થશે? વેઇટ એન્ડ વોચ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.