આણંદ, તા.4
મોરડ પ્રાથમિક શાળા ખાતે સરકારના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા ઉજાસભણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો એટલે કે વિષય નિષ્ણાતો દ્વારા બાળકોને જે તે ક્ષેત્રની માહિતી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત ટેકનોલોજીના ક્ષેત્રમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિષય પર વક્તવ્ય અને માર્ગદર્શન માટે વક્તવ્ય આપવા માટે વિવિધ રીતે તજજ્ઞતા ધરાવતા મહાનુભાવોને નિમંત્રિત કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
મોરડ પ્રાથમિક શાળા ખાતે વાઇબ્રન્ટ મલ્ટી મીડિયા કંપનીના સીઈઓ રમેશભાઈ ઠાકોરે ખાસ ઉપસ્થિત રહીને બાળકોને ઈન્ટરનેટ અને સોશિયલ શું છે?, તેના ઉદભવ, વિકાસ, ફાયદા, ગેરફાયદા, સાવચેતીઓ, ભવિષ્યમા પોતાને કઈ રીતે ઉપયોગી બની રહેશે વગેરે વિશે જરૂરી માહિતી આપી હતી. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રમેશભાઈ ઠાકોરને આવકારી શાળાના મદદનીશ શિક્ષક અનિલભાઈ ઠક્કરે સુંદરકાંડ પુસ્તકથી સ્વાગત કર્યું હતું, જયદીપભાઈ વાઘેલા અયોધ્યા મંદિરના દિપ અર્પણ કર્યા હતા.
વર્તમાન સમયમાં અત્યંત જરૂરી માર્ગદર્શન માટે 500થી પણ વધારે બાળકોએ હાજર રહ્યા હતા. રમેશભાઈ ઠાકોરનું વક્તવ્ય અને વિચારોને સાંભળી શાળાના બાળકો સહિત શિક્ષક કર્મચારીઓ માહિતગાર બન્યા હતા. કાર્યક્રમનું આયોજન સતીશભાઈ વાઘેલા અને આચાર્ય ડૉ. નિર્મળદાન ગઢવી દ્વારા કરાયું હતું.
