સુરત: આજે ગુરુવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની સ્પીચ રહી. એક કલાક કરતા ઓછા સમયમાં બજેટ સ્પીચ પૂરી થઈ ગઈ. સરકારે કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાતો કરી નથી. સુરતના મુખ્ય બે વ્યવસાય કાપડ અને હીરા માટે આ બજેટમાં શું હતું? શહેરના વેપારી, ઉદ્યોગકારો અને કર નિષ્ણાતોને આ બજેટ કેવું લાગ્યું? ચાલો જાણીએ..
કોન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું કે, ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા નથી તે નિરાશા જનક છે. નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા તેથી ફુગાવો નિયંત્રણમાં રહેશે. આ બજેટ ગરીબ, મહિલા અને યુવા માટે પ્રોત્સાહન આપે છે. રેલવે તેમજ સોલાર પાવર માટે છે સ્કીમો જાહેર કરી છે તે આવકારદાયક છે. એકંદરે આ બજેટ વિકાસ લક્ષી છે.
વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોને થશે ફાયદો
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાશેઠે કહ્યું કે, વિદેશ જતા નાગરિકો ટિકીટ બુક કરાવે ત્યારે ટ્રાવેલ એજન્ટ 20 ટકા ટીડીએસ કાપતા હતા, પરંતુ હવે તે ટીડીએસ ઘટાડાયો છે. રૂપિયા 7 લાખ સુધીનું બિલ હોય તો હવે 5 ટકા ટીડીએસ જ લાગશે. જ્યારે તેનાથી ઉપરનું બિલ હોય તો 20 ટકા ટીડીએસ લાગશે. આમ વિદેશ પ્રવાસ કરતા મધ્યમવર્ગને ફાયદો થશે. વિદેશ પ્રવાસ થોડો સસ્તો પડશે.
જગાશેઠે વધુમાં કહ્યું કે, આ વચગાળાનું બજેટ હોય વધુ જાહેરાતો થઈ નથી, પરંતુ એકાદ-બે જાહેરાતો સારી રહી છે. ટેક્સ સિસ્ટમ અને કરદાતાઓ પરથી ભારણ ઘટાડવાના હેતુથી નાણામંત્રીએ 2009-10 સુધીની પેન્ડિંગ રિક્વરી માફ કરવાનો કોલ લીધો છે. એટલે કે તમારી 25 હજારની ઈન્કમટેક્સની પેન્ડિંગ 2009-10 સુધી બાકી હોય તો તે માફ કરાશે. 2014-15 10 હજાર સુધીની ડિમાન્ડ માફ કરાશે. લોકો પાસે ચોપડા નહીં હોવાના લીધે આ નિર્ણય લેવાયો છે. કરદાતાઓની મુશ્કેલી દૂર થશે. નાના બિઝનેસમેન, નાના કરદાતાને કનડગત નહીં થાય તે માટે આવકારદાયક નિર્ણય લેવાયો છે.
GJEPCએ બજેટને આવકાર્યું
તો બીજી તરફ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની FY2047 સુધીમાં આપણા દેશને વિક્ષિત ભારત બનાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે. જેમ્સ અને જવેલરી નિકાસકારો માટે તાજેતરમાં જાહેર કરાયેલો ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર ભારત અને અન્ય લોકો માટે વ્યૂહાત્મક અને આર્થિક ગેમ ચેન્જર બનશે એવું જીજેઈપીસીનું માનવું છે. જેમ CEPA વેપાર કરારથી મધ્ય પૂર્વમાં જ્વેલરીની નિકાસમાં વધારો થયો છે, અમે જેમ અને જ્વેલરીની નિકાસને વેગ આપવા યુરોપિયન દેશો અને અન્યો સાથે દ્વિપક્ષીય વેપાર કરારોને આવકારીએ છીએ.