સાયણ(Sayan) : ઓલપાડ (Olpad) તાલુકાના ખેડૂતો (Farmers) મોટે ભાગે શાકભાજી (Vegetables), ડાંગર અને શેરડીના પાક ઉપર નભે છે. ત્યારે છેલ્લાં ઘણા સમયથી ચોમાસુ ડાંગર બાદ ઉનાળુ ડાંગરનો પાક પણ ખેડૂતો લેતા થઈ ગયા છે. કાંઠા વિસ્તારમાં હાલમાં ઉનાળુ ડાંગરની રોપણીનો પ્રારંભ થઈ ગયો છે. જો કે, વધુ પડતી ઠંડીને કારણે ધરુનો ઉછેર જલદી નહીં થતાં હજુ પણ રોપણી લંબાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
- અંભેટા, નરથાણ, વેલુક, કાછોલ અને સાયણની આસપાસ ડાંગરની રોપણી શરૂ થઈ ગઈ
- ઠંડીને કારણે ધરુ ઝડપથી વિકસિત નહીં થતાં કેટલીક જગ્યા રોપણી મોડી પડશે
દક્ષિ ગુજરાતમાં મોટે ભાગે શેરડી, શાકભાજી અને ડાંગરની ખેતી વધુ થાય છે. જો કે, કમોસમી વરસાદના માર વચ્ચે ખેતીની પેટર્ન પણ બદલાઈ છે. ઘણા ખેડૂતો શિયાળામાં માવઠાની શક્યતાને જોતાં રવી પાક લેવાનું ટાળી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન ખેડૂતો ઉનાળુ ડાંગર માટે ધરુનો ઉછેર કરે છે.
આ વખતે જાન્યુઆરી માસમાં પણ ઠંડીનું જોર વધુ રહેતાં ઉનાળુ ડાંગરની રોપણીને વિલંબ થઈ રહ્યો છે. હાલમાં સુરત જિલ્લાના મહત્તમ વિસ્તારોમાં ડાંગરની રોપણીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર કાજોલ, વેલુક, નરથાણ, અંભેટા, કુંકણી તથા સાયણ સહિતના આસપાસના વિસ્તારમાં ખેડૂતો ડાંગરની રોપણી કરવા કામે લાગી ગયા છે.
લગ્નસિઝનને કારણે મજૂરોની ખેંચ
સમય બદલાતાની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. જેની અસર કૃષિ ક્ષેત્રને થઈ રહી છે. મોસમના મારનો સામનો કરી રહેલા ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી મજૂરોની ખેંચ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ લગ્ન સિઝનને કારણે કેટલોક મજૂર વર્ગ કેટરિંગ વ્યવસાયમાં જોડાઈ જતો હોવાથી ડાંગરની રોપણી માટે મજૂરો મળતા નથી. આવી સ્થિતિમાં અન્ય વિસ્તારના મજૂરો ઉપર ખેડૂતોએ આધાર રાખવો પડે છે.
એક વીઘાનો રોપણીનો ભાવ 4500
હાલમાં નહેરનું રોટેશન ચાલુ હોવાથી ખેડૂતોએ રોપણીનો પ્રારંભ કરી દીધો છે. ખાસ કરીને ટેઈલ વિસ્તારમાં ખેડૂતો જલદી રોપણી થાય એવી ગણતરી કરતા હોય છે. જેથી પાણીનું આયોજન થઈ શકે. જો કે, એક મહિના સુધી નહેરનું રોટેશન ચાલુ રહેશે. હાલમાં જે ખેડૂતોએ ધરુવાડિયા બનાવ્યા નથી એ ખેડૂતો બહારથી ધરુ અને મજૂર મંગાવી રોપણી કરાવી રહ્યા છે અને એક વીઘા દીઠ મજૂરી અને રોપણીનો ભાવ રૂપિયા 4500 છે.