SURAT

મહાવીર હોસ્પિટલની બહાર રોડ પર જાહેરમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા

સુરત (Surat): સુરત શહેરમાં જાણે પોલીસનું (SuratCityPolice) અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વોને કોઈનો ડર જ રહ્યો નથી. જાહેરમાં હત્યાઓ (Murder) થઈ રહી છે. મંગળવારે મધરાત્રે શહેરના અઠવાગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલની સામે રોડ પર એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યાની ઘટના બની છે. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

અઠવાગેટ મહાવીર હોસ્પિટલ બહાર મિત્રો એ મિત્ર ને 5-6 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મધરાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં થયેલી પિંકેશ નવસારીવાળાની હત્યા પાછળ રૂપિયાની લેતી દેતી કે આંતરિક ઝગડો કારણભૂત હોવાની વાત સામે આવી છે.

પિંકેશ હત્યા કેસમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર અક્ષુ પટેલ સૂર્યા મરાઠા ગેગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. બે કારમાં આવેલા અક્ષુ ગેગે પિંકેશને ફોન કરીને બોલાવ્યા બાદ જાહેરમાં રહેંસી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારે જણાવ્યું હતું કે મૃતક પિંકેશ રમેશભાઈ નવસારીવાળા માત્ર 33 વર્ષના હતા. નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા હતા. રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઘટના મધરાત્રીના 2 વાગ્યા ની હતી. અઠવાગેટ મટકા ચા ઉપર કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કરી પિંકેશને દોડાવી દોડાવી ને પતાવી દીધો હતો. હત્યા બાદ હત્યારાઓ છરો રોડ ઉપર જ ફેંકીને ભાગી ગયા હતા. હત્યારાઓ મોંઘી કારમાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે હત્યા પાછળ સૂર્યા મરાઠા ગેગના અક્ષુ પટેલનો હાથ હોવાની વાત સામે આવી છે. જૂની અદાવત કે પૈસા ની લેતીદેતીમાં પિંકેશની હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ કારમાં ડુમસ લગ્ન પ્રસંગમાં હાજરી આપી અઠવાગેટ આવ્યા હોવાની ચર્ચા છે. મૃતક પિંકેશને ફોન કરીને અઠવાગેટ મટકા ચા પર બોલાવ્યા બાદ ઉપરા ઉપરી ઘા મરાયા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે પિંકેશની હત્યા પહેલા અક્ષુ પટેલ ગેંગે કાળું નામના યુવકને ફોન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. કાળું એ આ ધમકી ને ગંભીરતાથી લઈ મિત્રોની મદદ માગતા કાળું બચી ગયો હોય એમ કહી શકાય છે. જોકે ત્યાર બાદ પિંકેશ ને ફોન કરી બોલાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પિંકેશને મહોલ્લાવાસીઓએ જણાવ્યું હતું કે મધરાત્રે ઘર બહાર નીકળતા પિંકેશ ગાળો બોલતો બોલતો નીકળ્યો હતો. હત્યા ને લઈ માછી-કહાર સમાજમાં રોષ જોવા મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષુ ઉપર આગળ પણ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના નોંધાય ચુક્યા છે. પિંકેશ અને અક્ષુ બન્ને એક જ ગ્રુપના અને મિત્રો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ હત્યા પાછળના મુખ્ય કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top