) બોરસદ તા.30
બોરસદ તાલુકાના કઠાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલીન સેક્રેટરીએ પોતાની ફરજ દરમિયાન રૂ.10.33 લાખની ઉચાપત કરી હતી. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદના કઠાણા ગામની દૂધ મંડળીના ચેરમેન ગજેન્દ્રસિંહ નટુભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હાલ સેક્રેટરી તરીકે મેહુલ ઉદેસિંહ સોલંકી ફરજ બજાવે છે. દૂધ મંડળીની નાણા તેમજ નાણાકીય હિસાબો રાખવાનું કામ તેમજ જે તે ગેરહાજર રહેલા કર્મચારીઓનું પડતર કામ સેક્રેટરીએ કરવાનું હોય છે. કઠાણા ગામની દૂધ મંડળીની વ્યવસ્થાપન કમીટીની બેઠક 19મી એપ્રિલ, 2018ના રોજ મળી હતી. જેમાં 1લી મે,2018થી 31મી ઓગષ્ટ, 2023 સુધી સેક્રેટરી તરીકે રણજીતસિંહ રાયસિંહ સોલંકી (રહે. કઠાણા)ને નિમણૂંક કરવામાં આવી હતી. જેથી મંડળીની સિલકની તથા મંડળીના તમામ નાણાકીય વ્યવહારો કરવાની સત્તા મંડળીના સેક્રેટરી તરીકે રણજીતસિંહ સોલંકીની હતી. દરમિયાનમાં 1લી એપ્રિલ,2021થી 31મી માર્ચ,23નું ઓડિટ કરવામાં આવ્યું હતું.
આ ઓડિટમાં રજીસ્ટર, રોજમેળ વિગેરેની તપાસણી કરવામાં આવી હતી. જેમાં સેક્રેટરીની બેદરકારી બહાર આવી હતી. મંડળીની રોજબરોજની મર્યાદા ઉપરાંતની સિલક જાણી બુઝીને બેન્કમાં જમા કરાવી નહતી અને તેમાંથી રૂ.10,33,790ની કાયમી ઉચાપત કરી હતી. આ અંગે ઉચ્ચ કક્ષાએ અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો. જેથી ઉચ્ચ કક્ષાએ સેક્રેટરી રણજીતસિંહ સામે ગુનો નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ચેરમેન ગજેન્દ્રસિંહએ વિરસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રણજીતસિંહ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાની દૂધ મંડળીમાં વારંવાર ગેરરીતિ બહાર આવતી રહે છે. જે અંગે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
