- 50 ડેપ્યુટી કલેક્ટર અને 29 મામલતદારની બદલી
- વડોદરાથી 3 ડે .કલેક્ટરની બદલીનો હુકમ કરાયો
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં વિવિધ વિભાગોમાં બદલીઓનો દોર શરુ થયો છે. રાજ્યના 50 જેટલા ડેપ્યુટી કલેક્ટર અને 29 મામલતદારોની બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં વડોદરાના 3 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી પહેલા વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી સાંજે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની બદલીનો હુકમ કર્યો હતો જેમાં રાજ્યમાં 50 ડેપ્યુટી કલેક્ટર જેમાં 12 પ્રોબેશન પરના ડેપ્યુટી કલેક્ટરને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. તો 29 જેટલા મામલતદારની બદલી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાંથી 3 ડેપ્યુટી કલેકટરની બદલી થઇ છે. જેમાં એસએસપીએ (સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી ) યુનિટ 1 માં આસી. કમિ તરીકે ફરજ બજાવતા યુ.એસ.શુકલાની નર્મદા જિલ્લાના ડેપ્યુટી ડીઈઓ તરીકે બદલી કરવામાં આવી છે. કરજણના પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાની મહેસાણાના કદી ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઈ છે તો કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા મયુર પરમારની છોટાઉદેપુર પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઈ છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર પ્રોટોકોલ તરીકે દેવભૂમિ દ્વારકાના ડો. ભાર્ગવ ડાંગરની બદલી કરાઈ છે. તેમજ ડભોઈના નવા પ્રાંત અધિકારી તરીકે રવિરાજસિંહ પરમારની નિમણુંક કરાઈ છે. સાવલીના ડેસર મામલતદાર તરીકે વિરમગામમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મયૂરધ્વજસિંહ રાઠોડની નિમણુંક કરાઈ છે. આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને હજુ પણ બદલીઓનો ગાંજફો ચીપાય તેવી શક્યતા છે.