Vadodara

બાલાસિનોરમાં પથ્થરની ફેક્ટરીમાં નિયમોનું ઉલ્લંઘન થયાનો આક્ષેપ

બાલાસિનોર તા.29
બાલાસિનોર જીઆઈડીસીમાં આવેલી પથ્થરોની ફેક્ટરીના 500 મિટરની ત્રિજ્યામાં જ હોસ્પિટલ, ધાર્મિક સ્થળ અને પોલીસ લાઇન આવેલી હોવા છતાં મોટા પાયે ક્રસીંગ થાય છે. જેના કારણે રહિશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે અંગે ફરિયાદો છતાં કોઇ કાર્યવાહી ન થતાં રોષ ફેલાયો છે.
બાલાસિનોરમાં આવેલી જીઆઈડીસીમાં પથ્થરોની ક્રસર કરતી દસેક ફેકટરીઓ આવેલી છે. જે ફેકટરીઓ સરકારના નીતીનિયમ મુજબ ન ચાલતી હોવાની પ્રજામાં બૂમ ઉઠી છે. બાલાસિનોર જીઆઈડીસીની નજીકમાં એક કિલોમીટરની ગાઇડલાઈન હોવા છતાં 500 મીટર નજીક રહેણાંક મકાનો, ધાર્મિક સ્થળો, સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર તેમજ તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલી નવીન પોલીસ લાઈન આવેલી છે.
અહીં ફેક્ટરીમાં પથ્થર ક્રસિંગ કરતી વખતે ઊડતી રજકણોથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય બીમારીઓ અને સિલીકોસીસ જેવી જાનલેવા ગંભીર બીમારીઓ થવાનો ભય ઉભો થયો છે.
બાલાસિનોર સહિત વીરપુર તાલુકામાંથી મોટાપાયે સફેદ પથ્થરનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યાના આક્ષેપ ઉઠી રહ્યાં છે. આ વ્યવસાય ખાણ ખનિજ વિભાગની રહેમનજર હેઠળ ચાલતો હોવાની પણ પ્રજામાં ફરીયાદો ઉઠી છે. રાત્રિ દરમિયાન 50થી પણ વધુ સફેદ પથ્થર ભરી ટ્રકો અને ટ્રેકટરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે. જે બજારમાંથી બેફામ રીતે હંકારતા હોવાથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવે તેમ છે. જેથી આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે. બાલાસિનોરમાં આવેલી પથ્થરની ફેકટરીમાં કેટલા ટન પથ્થર રાખી શકાય તેમજ ફેકટરીમાં પડી રહેલા સફેદ પથ્થરો રોયલ્ટી વાળા છે કેમ ? તે પણ એક તપાસનો વિષય છે

Most Popular

To Top