ભોપાલ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) ભોપાલમાં (Bhopal) અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અહીં એક 103 વર્ષના વૃદ્ધે લગ્ન (103 year old married) કર્યા છે. ભોપાલના હબીબ નઝર ઉર્ફે મંઝલે મિયાં મધ્યપ્રદેશના સૌથી વૃદ્ધ દુલ્હા બન્યા છે. હબીબે પોતાનાથી 54 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા છે.
અંગ્રેજો સામે આઝાદીની ચળવળમાં ભાગ લેનાર હબીબ નઝરની ઉંમર 103 વર્ષ છે. તેઓએ આ ઉંમરે લગ્ન કરતા લોકો ચોંકી ઉઠ્યા છે. હબીબના આ ત્રીજા નિકાહ છે. એકલતા દૂર કરવા માટે હબીબે આ ઉંમરે નિકાહ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયામાં આ અનોખા નિકાહની ચર્ચા થઈ રહી છે. ખરેખર તો આ લગ્ન ગયા વર્ષે 2023માં થયા હતા, પરંતુ તેનો વીડિયો હવે વાયરલ થયો છે. 103ના દુલ્હા અને 49ની દુલ્હનનો વીડિયો જોઈ લોકો તરેહ તરેહની કોમેન્ટ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે હબીબ નઝરે 103 વર્ષની ઉંમરે 49 વર્ષીય ફિરોઝ જહાં સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ગયા વર્ષે થયા હતા પરંતુ રવિવારે કોઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હબીબ નઝરના આ ત્રીજા લગ્ન છે.
વાયરલ વીડિયોમાં હબીબ નઝર તેની દુલ્હન સાથે ઓટોમાં લગ્ન કરીને પોતાના ઘરે પરત ફરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં લોકો હબીબને અભિનંદન આપી રહ્યા છે અને હબીબ હસતા હસતા બધાનો આભાર માનતા જોવા મળી રહ્યા છે અને કહે છે કે કોઈ વસ્તુની કમી નથી.
હબીબ નઝરે કહ્યું કે તેમના પહેલા લગ્ન મહારાષ્ટ્રના નાસિક અને બીજા લગ્ન ઉત્તર પ્રદેશના લખનઉમાં થયા હતા. પ્રથમ બેગમને કોઈ સંતાન નહોતું અને તે થોડાં વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. બીજી પત્નીથી પણ સંતાન સુખ મળ્યું ન હતું અને તેનું પણ લગભગ 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યાર બાદથી હબીબ એકલતાથી પીડાઈ રહ્યો હતો.
તેથી હબીબે 49 વર્ષીય ફિરોઝ જહાંને સંબંધીઓના માધ્યમથી લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પહેલા તેણીએ ના પાડી હતી, પરંતુ બાદમાં તે માની ગઈ હતી. હબીબની સેવા કરવા માંગતી હોવાથી તે તેની પત્ની બનવા સંમત થઈ હતી. આખરે તેને ફિરોઝ જહાંના રૂપમાં એક નવી જીવનસાથી મળી. ફિરોઝ જહાં પણ પતિના મૃત્યુ પછી એકલી પડી ગઈ હતી. ફિરોઝ જહાંના જણાવ્યા મુજબ, તે આ લગ્ન માટે સંમત થઈ હતી કારણ કે હબીબની સંભાળ રાખવા માટે કોઈ ન હતું.