પાણી છીછરું છે કે ઊંડું, જાણવું મુશ્કેલ બને છે. પાણી માટેના અનેક સ્ત્રોત જેમાં ઝરણું, કૂવો, તળાવ, જળાશય-સરોવર અને નદી.. કયાંક દરિયાનું પાણી મીઠું કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. છીછરું પાણી એટલે તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું પાણીનું સ્થાન. ઊંડું પાણી એટલે સપાટીથી ઠીકઠીક નીચેનાં, અંદરના ભાગમાં લાંબે સુંધી રહેલુ હોય, અગાધ હોય. કેટલાક તળાવ અને સરોવરમાં નહાવું જોખમી બને. નદી, દરિયાના ઊંડાં પાણીમાં ઉતરવું એ મોટું જોખમ ખેડવા જેવું હોય છે.
પાકો તરવૈયા સરળતાથી તરી શકે છે, બાકી બીજા ફસાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે. પાણી પીવાની તીવ્ર ઈચ્છા હોય અને પ્યાસ શાંત કરી શકાય તેવું નિર્મળ, સ્વચ્છ પાણી યોગ્ય છે. જો કે કહેવાતા હોશિયાર માનવીને કારણે પાણીના દરેક સ્ત્રોતમાં ગંદકી જોવા મળે છે. બીસલરી પાણી પણ ક્યાં ચોખ્ખું હોય છે! આજે મનુષ્યમાં રહેલી ગંદકીની વાત કરવી છે- એ છે છીછરાપણું, છીછરાઈ. આજના માનવીને ઓળખવો મુશ્કેલ છે. કહેવાય છે કે, માણસને જાણવો, સમજવો એ દુનિયાની સૌથી અઘરી બાબત છે.
આજના માનવીની વાણી, વર્તન અને વ્યવહારમાં ઊંડાણ રહ્યું નથી. માનવી છીછરો હોય તો તેના સંબંધો પણ છીછરા. ઓછા જ્ઞાનવાળા બકબક વધારે કરે. ઓછા સંસ્કારી તે છીછરું ને જડ તે ભાવહીન વર્તન કરે. તેમનાથી ચેતીને વ્યવહાર કરવો જોઈએ. કેટલાક વ્યક્તિત્વ વળી ઊંડા, અઘરા ને ગંભીર ભેદવાળા. છૂપું છાનું ને ગુપ્ત વ્યક્તિત્વ. જે ક્યારેક ભારે પડી શકે. સરળ વ્યક્તિ સાથે સંગત, મૈત્રી કરીએ અને આપણાં વાણી, વર્તન અને વ્યવહાર ચોખ્ખા રાખીએ. અલબત્ત, દુનિયામાં સરળ વ્યક્તિઓ સંખ્યાબંધ છે. માનસિક સ્વચ્છતા કેળવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શું ખાવું – શું પીવું તે સમજાતું નથી
હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે નીરાનું વેચાણ સ્વાભાવિક વધારે થાય છે. કારણ કે મારી જાણમાં પથરીના રોગ માટે નીરો અકસીર છે. પણ તેમાં પણ કેટલાક વેપારીઓ કુદરતી નીરામાં ભેળસેળ કરે છે.તેવી જ રીતે મંદિરમાં વેચાતા પ્રસાદમાં પણ 600 ટન ચોખ્ખા ઘીમાં ભેળસેળ કરીને પહોંચાડતો હોય તે માનવને શું છોડવાનો? મીઠાઇ બનાવવા માટેના માવામાં પણ ભેળસેળ, શાકભાજીમાં પણ છોડ પર જીવાત ન થાય તેના માટે દવા રોજ છાંટવામાં આવે છે. તો તે શાકભાજી ભરાવદાર ને જીવાત વગરનું મળે છે. પણ તેનું જીવાત મારવાનું કેમીકલ પેટમાં જાય તેનું શું? માટે શું ખાવું શું પીવું તે સમજાતું નથી.
સુરત – મહેશ આઇ. ડોકટર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે