Vadodara

મહિસાગરમાં ગેરકાયદે રેતી ચોરીનું કૌભાંડ

વડોદરા, તા.24
વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં ને ત્યાં ખોદી નાખતા અનેકવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને માસુમ લોકો તેનો ભોગ બની રહ્યા છે. કેટલાક રાજકારણીઓની રહેમ નજર હેઠળ અથવા તો તેઓની સાંઠગાંઠના કારણે આ રેતી માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી. મહીસાગર નદીમાં કેટલાય વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને રાજકારણીઓ તેમજ સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ બેફામ રીતે રેતી વેક્યૂમની મદદથી રેતી ઉલેચવામાં આવી રહી છે. રેતી માફિયાઓના કારણે અકસ્માત અનેક ના મોત મોત થયાનું સામે આવે છે અને તેમાં સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે. રેતી માફિયાઓ દ્વારા નદીની વચ્ચોવચ નાવડીની મદદથી રેતી ખનન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે સરકારે જે નીતિ નિયમો સાથે લીઝ આપી હોય છે તેનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાની અનેક લીઝ ઉપર માત્ર નામનું જ મોનીટરીંગ કરવામાં આવતું હોવાની પણ બૂમો ઉઠવા પામી છે. સરકારી અધિકારીઓ માત્ર ફરિયાદ મળે ત્યારે નામની ચકાસણી કરી સબ સલામત છે તેમ જણાવી પરત જતા રહે છે. એક પણ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. ભૂતકાળમાં ધારાસભ્યો અને અનેક આગેવાનો સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે લીઝમાં તેઓની અથવા તો તેઓના પરિવારજનોની સંડોવણી છે.
પરંતુ તેમાં કઈ પણ તપાસ ખુલી નથી. આવા તત્વો સામે લગામ કસવામાં આવે અને ખાણ – ખનીજ વિભાગ નિયમોનું ચુસ્ત પાલન કરાવે તે ઇચ્છનીય છે. ખનન માફીયાઓના તાર ગાંધીનગર સુધી જોડાયેલા છે. જે નેતાઓને પશુપાલકોના વ્હારે આવે છે તેમના મત વિસ્તારમાં દિવસ રાત ચાલતા ગેરકાયદે ખનન માફીયા વિરૂધ્ધ અભિયાન ચલાવાશે? નદીઓમાં 25 થી 30 ફૂટની ઉંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે.
નદીઓમાં પુલ કે રસ્તાઓ બનાવીને આ ટ્રકોને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવે છે. પર્યાવરણવાદીઓ અને પરિક્રમાવાસીઓએ નર્મદા બચાવો અભિયાન શરૂ કર્યું હતું.નર્મદા બચાવો અભિયાન શરૂ કરાયું હતું પરંતુ રેતી માફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલી રહ્યો છે. મહી નદીમાં મોટાપાયે વેક્યુમથી રાત્રીના સમયે રેતી ખનન કરાતું હોવાના કારણે મોટામોટા ખાડા પડી ગયા છે. ખાડા પડી જતા ડૂબવાના બનાવો પણ દિન પ્રતિ દિન વધતા જાય છે. છતાં ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામા પોઢ્યું હોય નિરસ જણાઇ રહ્યું છે. મહીસાગર નદી સહિત અન્ય નદીઓમાં ખનીજ ચોરો મોટાભાગે વેક્યુમથી રેતી ખનન કરતા હોવાના કારણે નદીમાં 45-50 ફૂટ ઊંડા ખાડી પડી ગયા છે જેના કારણે ઘણા ડૂબી જતા મોતને ભેટે છે.સાથે વેક્યુમથી રેતી કાઢી લેવામાં આવતી હોવાથી ખેડૂતના નુક્સાન થતું હોવાથી ખેડૂતોને વેઠવાનો વારો છે.

Most Popular

To Top