બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવ્યાં છે તે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ ગુજરાતની પ્રજા સાંગોપાંગ આત્મસાત્ કરી ચૂકી છે. માટે જ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પામે તે પહેલાં જ વડોદરામાં નાવ દુર્ઘટના કારણે જેઓ રામના ચરણમાં પહોંચ્યાં છે તેનો શોક એકાદ ચર્ચા કે ચર્ચાપત્રથી આગળ નહીં જ વધે! ના, આ કટાક્ષ નથી. ચેનલોમાં ચર્ચા કરતાં કે છાપાંમાં લેખ લખતાં નિસ્બતવાળાં પત્રકારો, નાગરિકો માટે આ ચેલેન્જ છે! ‘બોલો તમે કેટલી વાર બોલશો? તમે કેટલી વાર લેખ લખશો? તમે ઘટનાકેન્દ્રી બનશો કે સમગ્ર વ્યવસ્થા સામે પ્રશ્ન કરશો?
ગુજરાતના આખા જ જાહેર જીવનમાં કયાંય તમને કાયદાનું શાસન દેખાય છે? હવે તો કુદરત પણ તમને ચમકારા બતાવીને થાકી ગઇ છે! પ્રજામાં ‘વિચારવિહીનતા’નો જે વ્યાપ છે તેનું વિશ્લેષણ અને સંશોધન થવું ઘટે! રાજકારણીઓ, અધિકારીઓ, કોન્ટ્રાકટરો, સ્થાપિત હિતોનું એક વિષચક્ર સર્જાયું છે. આ આખા વાતાવરણને સમજવાની જરૂર છે! આપણી આ કોલમમાં જ આપણે લખ્યું હતું કે ‘ભાજપ સત્તામાં છે પણ શાસનમાં નથી!’ હજુ ગયા અઠવાડિયે જ અહીં લખ્યું હતું કે શિયાળો એટલે ખાનગી શાળા કોલેજોને આવક કમાવાનો અવસર. ઉત્તર ગુજરાતની શાળાનાં બાળકોને રાજસ્થાનમાં અકસ્માત નડયો હતો. બે વ્યક્તિનાં મૃત્યુ પણ થયાં હતાં અને હવે આ બોટ ઉલટી થવાનો અકસ્માત! એવું નથી કે ગુજરાતમાં જાહેર જીવનની દુર્ઘટનાઓ માટે ચર્ચા નથી થતી.
સત્તામાં બેઠેલાં સૌ, સર્વદા સંવેદનહીન પણ નથી. મૂળ વાત એ છે કે નિર્માણાધીન પુલ તૂટી પડે, નવનિર્મિત પુલ નબળો સાબિત થાય. અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો પડે. નિર્માણાધિન બિલ્ડીંગોમાં સેફટીના માપદંડો ન જળવાય અને શ્રમિકો મૃત્યુને ભેટે, ગટરમાં ઊતરતા સફાઈ કામદારો આજે પણ ગુંગળાઈ મરે. તદ્દન અયોગ્ય વ્યક્તિઓ નોકરીના નિમણૂકપત્ર લઇ નોકરીમાં ગોઠવાઈ જાય! વડા પ્રધાન કાયાર્લય કે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી બનીને ગઠિયાઓ બી.એસ.એફ. કેમ્પ કે મોટા મોટા સમારંભોમાં ઘૂસી જાય. આ તમામ ઘટનાઓની જયાં સુધી જુદી જુદી ચર્ચા કરીશું ત્યાં સુધી તેના મૂળમાં જઇ શકાશે નહીં. ઉકેલ શોધી શકાશે નહીં! જો આપણે નિસ્બતપૂર્વક આવી દુર્ઘટનાઓને અટકાવવા માંગીએ છીએ તો સૌ પ્રથમ આ બધી જ ઘટનાઓને એક ક્રમમાં મૂકીને જોવાની જરૂર છે. એ શોધવાની જરૂર છે કે કયું કારણ આ તમામ ઘટનાઓમાં ‘સામાન્યત: સરખું છે!’ જો આવું વિચારીએ તો સમજાય છે કે મૂળભૂત રીતે ‘કાયદાના શાસનનો અભાવ’ એ આ તમામ ઘટનામાં સમાનપણે સ્પષ્ટ થાય છે.
જરા વિચારો.શટલ રીક્ષામાં અઠ દસ મુસાફર ભરાય ત્યારે એને કોણ રોકવાના? સ્કૂલ રીક્ષામાં દસ-વીસ બાળકો ભરાય છે તેને કોણે રોકવાના? રસ્તા પર ટેબલ ખુરશી લઇને બે લુખ્ખા બેસી જાય અને આવતાં-જતાં નાગરિકો પાસેથી રૂપિયા ઉઘરાવવા માંડે તો તેને કોણે રોકવાના? ખેતરોમાં ખૂલી જતી શાળા કોલેજો નિયંત્રિત કરવાની જવાબદારી કોની? બોટ દ્વારકાથી બેટ દ્વારકા જતી હોય કે વડોદરાના હરિણી તળાવમાં બોટમાં સેફટી સાધનો ન હોય તો તે ઊપડતી જ અટકાવવાની જવાબદારી કોની? બોટમાં દસ વ્યક્તિની જ છૂટ હોય છે ત્યાં અગિયારમા વ્યક્તિ ચડે ત્યારે જ કોણ રોકે? વર્ગખંડમાં ત્રીસ ઉપર એકત્રીસમા બાળકને એડમિશન આપતાં પહેલાં જયારે સંચાલક અટકે, અડધી રાત્રે પત્નીને મારીને ઘરની બહાર કાઢી મૂકતાં પહેલાં પતિના મનમાં જે અદૃશ્ય ડર ઉદ્દભવે તે કાયદાનું શાસન છે!
આજે બિલ્ડીંગનું નિર્માણ હોય, પુલનું નિર્માણ હોય, શાળાનો પ્રવાસ હોય કે ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડા હોય, કયાંય કોઈને કાયદાનો ડર નથી! અને આ દુર્ઘટનાઓ આ નફફટાઈનું પરિણામ છે. ગુજરાતનાં છેલ્લાં ત્રીસ વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે! માટે રાજકીય અહંકાર તેની ચરમ સપાટીએ છે! નિયમો, કાયદાઓ તો કાગળ ઉપર લખેલા જ છે! પ્રશ્ન છે તેના અમલનો. શાળા કોલેજો શરૂ કરવા ચોક્કસ સવલતો યોગ્યતાવાળાં કર્મચારીઓ અનિવાર્ય શરત છે. પણ ઉપરથી એક ફોન આવે અને તમામ નીતિ નિયમો નેવે મૂકીને મંજૂરી આપી દેવામાં આવે! બિલ્ડીંગમાં લીફટ હોય કે તળાવોમાં બોટીંગ હોય, સલામતી સાધનો અનિવાર્ય છે, પણ જયારે સત્તાવાળા અધિકારીઓને દબડાવે અને નિયમ ઉપરવટ જઈને ‘લાયસન્સ’ ઇસ્યુ કરાવે ત્યારે આવી દુર્ઘટના સર્જાય છે!
મોરબીનો પુલ હોય કે અમદાવાદમાં ખોખરાનો બ્રિજ હોય, બધે જ ‘ઉપરવાળાના ઓર્ડર’ જ જવાબદાર છે. છેલ્લે એક વાત એ કે બોટ ડૂબી જવાથી બાળકો મૃત્યુ પામ્યાં તે ભૌતિક ઘટના છે. પણ રમતના મેદાન વગર, પુસ્તકાલય વગર, પ્રયોગશાળા વગર, યોગ્યતાવાળાં શિક્ષકો-પ્રોફેસર વગર અનેક શાળા કોલેજો ચાલે છે. તેમાં હજારો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય ડૂબેલાં જ છે! વર્તમાનમાં ડૂબ્યાં એ ભૌતિક ઘટનાની ખરેખર ચિંતા હોય તો આ ભવિષ્ય ડૂબતાં બચાવો. શાળા કોલેજ-હોસ્પિટલ –રસ્તા પુલ તમામની તપાસ કરાવો!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.