વડોદરા: વડોદરાના હરણી તળાવ તળાવમાં (Lake) બોટમાં (Boat) સવારી કરી રહેલ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના ડૂબવાની હૃદયદ્રાવક ઘટનામાં વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિજનોને આશ્વાસન આપ્યું છે. સાથે જ ઘટનાનો ભોગ બનેલા લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે આશ્વસ્ત કર્યા છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ આ ઘટનાના મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિજનોને 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાયની (Assistance) જાહેરાત કરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થઈ ગયા છે.
જણાવી દઈએ કે બોટમાં શાળાના બાળકો અને શિક્ષકો સવાર હતા. બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ હતી. સ્થાનીક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સમાચાર લખાયા સુધી પણ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાતનો સમય હોવાથી ઘટના સ્થળે લાઈટની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જણાવી દઈએ કે બોટની ક્ષમતા 14 લોકોની હતી તેની સામે 27 લોકો બેસાડ્યા હોવાની માહિતી સામે આવી છે. બોટમાં સવાર લોકોને લાઈફ જેકેટ વગર બેસાડ્યા હોવાની બેદરકારી પણ સામે આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
ઘટના પર દુખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.