સુરત (Surat) : આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામમંદિરની (Rammandir) પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે દેશભરમાં રામભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ ઠેર-ઠેર રામભક્તિના આયોજનો થઈ રહ્યા છે, તેવામાં શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફરી એકવાર મનમોહક મહેંદીનો રંગ બધાને ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી ગયો છે.
જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” માં તેમણે અને તેમની ટીમે રામાયણની ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યાં હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, ‘રામાયણ’ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ગ્રંથ છે, જે સમાજજીવનના ઉચ્ચ આદર્શો, માનવીય મૂલ્યો અને નૈતિકતાનું દર્શન કરાવે છે. તેમણે ગત ઓગષ્ટ મહિના દરમિયાન અયોધ્યામાં નિર્મિત થઇ રહેલાં રામમંદિર પરિસરની મૂલાકાત લીધી હતી. મંદિરની ભવ્યતાએ તેમને ખૂબ જ આકર્ષિત કર્યા હતા. તેમની મહેંદી કલાને ભગવાના રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો વિચાર પ્રદિપ્ત થયો હતો. નિમિષાબેને મનોમન તેમની માટે વિશેષ લાગણી અને સન્માન ધરાવતા વારલી આર્ટમાં રામાયણના પ્રસંગોને મહેંદી સ્વરૂપે આવરી લેવાનું નક્કી કર્યું.
આ નવીન આઈડિયાએ તેમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની ચોપાઇઓ આધારિત રામજન્મ, બાલઅવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતા હરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો અનુભવ ખરેખર રોમાંચક હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારા હૃદયમાં પ્રસ્થાપિત થયેલી મારી ભક્તિ અને આસ્થાને મૈં રામભક્ત બહેનાના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી છે.”
નિમિષાબેને જણાવ્યું હતું કે, વારલી આર્ટ, એ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા નિર્મિત એક પ્રાચીન ભારતીય કલા છે. આ ચિત્રો મુખ્યત્વે ખેતરોમાં લણણીની મોસમ, લગ્ન, તહેવારો, જન્મો અને સામાજીક શુભ પ્રસંગોને સુંદર રીતે પ્રસ્તુત કરે છે. વારલી કળાના મુખ્ય વિષયોમાં લગ્નનું મોટું સ્થાન છે. વારલી ચિત્રોને શુભ માનવામાં આવે છે અને તે ઉત્સવ દરમિયાન ખુશીની લાગણીને પ્રદર્શિત કરે છે. વારલી આર્ટને મહેંદી સ્વરૂપે સૌપ્રથમ નિમિષાબેને જ પ્રસ્તુત કર્યું હતું. અમેરિકા, લંડન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઇનોવેટીવ કોન્સેપ્ટએ લોકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી.
નિમિષાબેને વધુમાં ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આદિવાસીઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. તેવામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે આદિવાસીઓની સાંસ્કૃતિક વિરાસત અને ખુબસુરત કલા, વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રામાયણના પ્રસંગોને રજૂ કરીને અમે અનેરા ઉત્સાહ અને ગૌરવનો અનુભવ કરી રહ્યા છીએ.
“આ ભવ્ય કાર્યક્રમના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આજના આધુનિક જમાનામાં યુવાપેઢીમાં ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેમજ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ના આદર્શોની સમજ કેળવવાનો છે. આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિ વારલી આર્ટને પ્રોત્સાહન મળી રહે તેમજ મહેંદી માત્ર શૃંગારનું સાધન નહીં, પરંતુ નારીના સન્માન, પ્રેમ અને ખુશીનું પણ પ્રતીક છે, એવી લાગણી વ્યક્ત કરવાનો પણ અમારો ઉમદા આશય છે.”
ખાસ નોંધનીય છે કે, રામાયણના વિવિધ પ્રસંગો અને રામાયણના પાત્ર ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા, હનુમાનજી, વિભિષણ, રાવણ જેવા પાત્રોની છબીને મહેંદી સ્વરૂપે રજુ કરવાની ભારતની સંભવતઃ આ પહેલી ઘટના છે.