National

સ્પીકરના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ‘અસલી શિવસેના’ મામલે દાખલ કરી અરજી

મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવવાનો છે. અસલી શિવસેનાને (Shivsena) લઈને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યા છે. તેમણે સ્પીકરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પીકરના એ નિર્ણયને ખોટો ગણાવ્યો છે જેમાં તેઓએ કહ્યું છે કે એકનાથ શિંદેના જૂથમાં ધારાસભ્યોની સંખ્યા વધુ છે અને પાર્ટીના બંધારણ મુજબ એકનાથ શિંદે જ શિવસેનાના વાસ્તવિક નેતા છે.

ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓને બુધવારે (10 જાન્યુઆરી) સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી. નાર્વેકરે આ દરમિયાન કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણય શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો હતો.

સ્પીકરના નિર્ણય બાદ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે લોકોને સાથે રાખી લડીશું અને લોકોની વચ્ચે જઈશું. તેમણે કહ્યું કે સ્પીકર દ્વારા આપવામાં આવેલ આદેશ લોકતંત્રની હત્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ અપમાન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે અને ખોટું કર્યું છે. હવે અમે આ લડાઈ આગળ લડીશું અને અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. સુપ્રીમ કોર્ટ જનતા અને શિવસેનાને સંપૂર્ણ ન્યાય આપ્યા વિના અટકશે નહીં.

Most Popular

To Top