SURAT

ઝારખંડના બ્રેઈનડેડ મહેશની લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરત(Surat): મકરસંક્રાંતિના (Makarsankranti) પાવન અવસરે દાન કરવાનું અનેરુ મહત્વ રહેલું છે. આ દિવસે તલ, ખિચડી, ગોળ અને ઢાબળા વગેરેનું દાન કરવાનું મહત્વ છે ત્યારે ગોસ્વામી પરિવારે અંગોનું દાન (Organ Donate) કરીને અન્ય માટે પ્રેરણાદાયી બન્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતના ભેસ્તાનની મેટ્રો કોલોની ખાતે રહેતા બ્રેઈનડેડ (BrainDead) મહેશ ગોસ્વામીના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

ભેસ્તાન મેટ્રો કોલોનીમાં રૂમ પર રહેતા 38 વર્ષીય મહેશ રામદાસ ગોસ્વામી તા.7/1/2024 10:00 વાગ્યે પડી ગયા હતા. કમ્પનીનાં ડોક્ટર દ્રારા ચેક કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે 108 નો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા. 8/1/2024 સમય 05:11 PM વાગે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સીમાંથી આઇસીયુંમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.12/1/2024 રોજ 3:34 PM વાગે ડો. લક્ષ્મણ, ડો.હરિન મોદી, ડો.નિલેશ કાછડીયા તથા ડો.પરેશ ઝાંઝમેરાએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં.

ગોસ્વામી પરિવારના સભ્યોને ડો. લક્ષ્મણ, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ ગોસ્વામી પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. પરિવારમાં પત્ની સુનિતાકુમારી, દિકરા સોના તથા આયુષકુમાર મહેશ ગોસ્વામી છે. તેઓ મુળ ઝારખંડ અમ્લો હાલ્ટ, કરગલી બેરમો, શિવ મંદિર નજીક બોકારોના વતની છે. આજે વહેલી સવારે અંગોનું દાન કરાયું હતું.

સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 53મું સફળ અંગદાન થયું છે.

Most Popular

To Top