લુણાવાડા તા.13
લુણાવાડા તાલુકા પોલીસે ગોલાના પાલ્લા ગામેથી ચાકલીયા ચોકડી તરફ જતાં રસ્તા પર શંકાસ્પદ ગાડીને રોકી તેમાં તલાસી લેતા ક્રૂરતાપૂર્વક બાંધેલા પાંચ પશુ મળી આવ્યાં હતાં. આ પશુઓને કતલખાને લઇ જવાતા હોવાનું જણાતાં પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લુણાવાડા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ અલ્પેશભાઈ અમૃતભાઈ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. ઠાકરને બાતમી મળી હતી કે, પીકઅપ ડાલાવાળી ગાડી નં.જીજે 35 ટી 3375માં પશુ ભરીને લીમ્બોદ્રા ચોકડીથી ગોલાના પાલ્લા ચોકડી થઇ સંતરામપુર તરફ કતલખાને લઇ જનાર છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી ગોલાના પાલ્લા ચોકડી રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન લીમ્બોદ્રા ચોકડી તરફથી સફેદ કલરનું પીકઅપ ડાલુ પુરઝડપે આવતા તેને રોકવા જણાવ્યું હતું. પરંતુ ચાલકે ગોડી રોકી નહતી અને ભગાડી હતી. આથી પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયાં હતાં. આખરે ચાકલીયા ચોકડી તરફના રસ્તા પર રોડની બાજુમાં પીકઅપ ડાલુ વાહન ઉભુ રાખી ચાલક ભાગી ગયો હતો. આ ગાડીમાં તલાસી લેતા તેમાં બે લાકડાના પાટિયા ગોઠવેલા હતાં. જે ઉતારી જતાં તેમાં 5 પશુ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યાં હતાં. આ ઉપરાંત ઘાસચારો કે પાણીની સુવિધા રાખવામાં આવી નહતી.
આથી, આ પશુને કતલખાને લઇ જવાતા હોવાનું જણાતાં પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં પશુ અને ડાલુ મળી કુલ રૂ.2.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પશુઓને ગોધરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. જ્યારે પીકઅપ ડાલા નં.જીજે 35 ટી 3375ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લુણાવાડામાં કતલખાને લઇ જવાતાં પાંચ પશુને બચાવી લેવામાં આવ્યાં
By
Posted on