Business

સુરતનું MMTH એશિયાનું મોખરેનું ટ્રાન્સપોર્ટ હબ બનશે

સુરત માટે એવું કહેવાય છે કે તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ચોથા ક્રમનું શહેર છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે વર્ષોના સરકારી અન્યાય અને તંત્રની બેપરવાહીને લીધે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે સુરત જરૂરથી ઓળખાય છે પરંતુ સુરતમાં ખરેખર આ વ્યાપારિક ભવ્યતાને સપોર્ટ કરતું ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું જ નથી. સુરતનું આ મ્હેણું હવે ભાંગશે. સુરતમાં નવું બની રહેલું ટ્રાન્સપોર્ટ હબ આગામી દિવસોમાં સુરતને વિશ્વમાં અલગ જ સ્થાને મુકશે. એક જ સ્થળે રેલવે, બસ, મેટ્રો, BRTS, સિટી બસ અને ટેક્સી, રીક્ષા જેવા પરિવહન સાધનો જોડવાને કારણે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે અોળખાશે.

આમ તો સુરતના આ મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) વિશે અનેક વખત લખાઈ ચૂક્યું છે પરંતુ તેની જે વિશેષતાઓ અને પ્લાનીંગ તે હજુ સુધી બહાર આવી નથી. સુરતમાં બનનારું આ મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ એ એશિયાનું આ પ્રકારનું પ્રથમ ટ્રાન્સપોર્ટ હબ બનશે કે જેમાં તમામ પ્રકારની કનેક્ટિવિટી હશે. હોંગકોંગના કોવલૂન રેલવે સ્ટેશનની જેમ આ સુરતના મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબને બનાવાશે. સુરતનું આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું રેલવે સ્ટેશન પણ ગણાશે. કારણ કે વિશ્વમાં હાલમાં પ્રથમ ક્રમે USAના એટલાન્ટાનું 119 એકરનું ટ્રાન્સપોર્ટ હબ છે.

જ્યારે સુરતમાં બનનારું મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ 71 એકરમાં તૈયાર થશે. આ મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ એવું બનશે કે જેમાં એક જ દિવસમાં 5 લાખ મુસાફરો ટ્રેનનો, 1.25 લાખ મુસાફરો STની અને 50 હજાર મુસાફરો ટેક્સી-રીક્ષામાં પ્રવાસ કરી શકશે. આ રેલવે સ્ટેશનને સાકાર કરવા માટે રેલવે વિભાગ, રાજ્ય સરકારનું એસટી વિભાગ તેમજ સુરત મહાપાલિકાએ મળીને અલગ કંપની ‘સિટકો’ (સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) બનાવી છે. હાલમાં સિટકો દ્વારા આ હબને બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે…..

MMTHના પશ્ચિમ તરફ હાયપર માર્કેટથી માંડીને અન્ય આયોજનો કરાશે
રેલવે સ્ટેશનના પશ્ચિમ તરફ પણ સાત માળની ઈમારાત બનાવાશે. જેમાં બેઝમેન્ટમાં 6125 ચો.મી. જગ્યા પાર્કિંગ માટે રખાશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળ હબના સંચાલન માટે રખાશે. બાકીના 3-4 માળ સિટકો દ્વારા જ ડેવલપરને અપાશે. બાકીના 5થી 7 માળમાં ડેવલપર દ્વારા નીચેના ફ્લોર્સ પર એન્કર સ્ટોર્સ જેવા કે હાયપર માર્કેટ, સુપર માર્કેટ, ડિસ્કાઉન્ટ સ્ટોર, હોલસેલ ડિસ્કાઉન્ટ સ્ટોર ઉપરાંત ઉપલા માળો પર નાના રિટેઈલ સ્ટોર્સ રેસ્ટોરન્ટ, કેફે, ફુડ કોર્ટ, એન્ટરટેઈનમેન્ટ, ટુર એન્ડ ટ્રાવેલ એજન્ટ માટે ઓફિસ સહિતના આયોજનો કરવામાં આવશે.

નવા રેલવે સ્ટેશનની ફરતે કોમર્શ્યલ ટ્વીન ટાવર બનાવાશે
#  હબમાં રેલવે સ્ટેશનની પૂર્વ તરફ કોમર્શ્યલ ધોરણે ભવિષ્યમાં ટ્વીન ટાવર બનાવવામાં આવશે
#  પશ્ચિમ તરફે પણ વિકાસ માટે હાઈરાઈઝ ટાવરો બનાવવામાં આવશે

MMTHના પૂર્વ (વરાછા) તરફ 125 રૂમની 3-સ્ટાર હોટલ
રેલવે સ્ટેશનની પૂર્વ તરફ હાઈરાઈઝ તૈયાર કરાશે. 10430 ચો.મી. જગ્યા બેઝમેન્ટમાં પાર્કિંગ માટે રખાશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળ હબના સંચાલન માટે રખાશે. બાકીના 3-4 માળ સિટકો દ્વારા જ ડેવલપરને અપાશે. આ સિવાયના 5થી 7 માળ ડેવલપર જાતે તૈયાર કરશે. આ હાઈરાઈઝ બિલ્ડિંગસમાં 125 રૂમની 3 સ્ટાર હોટલ સાથે રિટેઈલ સ્ટોર, રેસ્ટોરન્ટ, કેફે, ફુડ કોર્ટ, એન્ટરટેઈનમેન્ટ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ્સ માટે ઓફિસ બનાવવામાં આવશે. ઉપરાંત પૂર્વ તરફની બિલ્ડિંગનો લાભ કોમર્શિયલ ધોરણે પણ લઈ શકાશે.

MMTHમાં PPP ધોરણે 32 માળની એક, 27 માળની બે, 26 માળની એક અને 7-7 માળની બે બિલ્ડિંગ બનશે
MMTHના ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા પીપીપી ધોરણે હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવામાં આવશે. જેમાં 32 માળની એક, 27 માળની બે, 24 માળની એક અને 7-7 માળની બે બિલ્ડિંગ બનશે. આ બિલ્ડિંગ પૈકી 26 માળની બિલ્ડિંગમાં શરૂઆતના ગ્રાઉન્ડ ફ્લોરથી 2 માળ સુધીનો ઉપયોગ SITCO દ્વારા કરવામાં આવશે. જ્યારે બાકીના 3થી 24 માળ સુધીની જગ્યાને કોમર્શિયલ ધોરણે વેચવામાં આવશે. આ જ રીતે 7-7 માળની બિલ્ડિંગમાં પણ 3થી 7 માળને કોમર્શિયલ ધોરણે વેચવામાં આવશે. જ્યારે 27 માળની બે તેમજ 32 માળની એક બિલ્ડિંગ ડેવલપરને આપી દેવામાં આવશે. આ હાઈરાઈઝને બિડરે તૈયાર કરીને તેને કોમર્શિયલ ધોરણે વેચવાની રહેશે. આ બિલ્ડિંગ પૈકી 32 માળની બિલ્ડિંગ હાલની રેલવે કોલોનીની જગ્યાએ બનાવવામાં આવશે. જ્યારે 27 માળની એક બિલ્ડિંગ રેલવે યાર્ડની જગ્યામાં તેમજ 27 માળની એક બિલ્ડિંગ એસટીની જગ્યામાં બનશે.

હાલના લંબે હનુમાન રોડના બસ ડેપોની જગ્યાએ બસ ટર્મિનલ બનાવાશે
હાલના લંબે હનુમાન રોડના બસ ડેપોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ જગ્યા પર હબને જોડતું બસ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ બસ સ્ટેશન 24 માળનું હશે. તેમાં પાર્કિંગ માટે 80 હજાર ચો.મી. જગ્યા ધરાવતા બે બેઝમેન્ટ હશે. પ્રથમ બે માળ GSRTC માટે રહેશે. જ્યારે 3 અને 4 માળ પર રિટેઈલ અને રેસ્ટોરન્ટ, કેફે, આઈસક્રીમ પાર્લર, વેનિલા સ્ટોર હશે. બાકીના 5થી 26 માળ સુધીની જગ્યા કોમર્શ્યલ અને ઓફિસ સ્પેશ માટે આપી દેવામાં આવશે

નવા રેલવે સ્ટેશનની બંને તરફ એક-એક પ્લેટફોર્મ સબઅર્બન ટ્રેન માટે બનાવાશે
સુરતના નવા રેલવે સ્ટેશન MMTHમાં મેઈન પ્લેટફોર્મની સંખ્યા હાલની જેમ જ 4 રહેશે. પરંતુ રેલવે સ્ટેશનની બંને તરફ સબઅર્બ ટ્રેન માટે એક-એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ ટૂંકા અંતરની, નોન-રિઝર્વ્ડ, લોકલ અને મેમુ ટ્રેન માટે કરવામાં આવશે. આ પ્લેટફોર્મ મેઈન સ્ટેશન સુધીના નહીં હોય. જેથી આ પ્લેટફોર્મ પર મેઈન પ્લેટફોર્મથી અલગથી પહોંચી શકાશે. મેઈન રેલવે સ્ટેશન પર ટ્રેન પેસેન્જરનું ભારણ ઘટાડી શકાય તે માટે આ બે નવા સબઅર્બ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

હબની ચારે દિશામાંથી BRTSની કનેક્ટિવિટી મળી રહેશે
શહેરના કોઈપણ ખૂણે જવું હશે તો યાત્રી ટ્રેનમાંથી ઉતર્યા બાદ BRTSનો ઉપયોગ કરી શકશે. હબમાં ચારે ખૂણેથી BRTSનો લાભ લઈ શકાય તેવી રીતે એન્ટ્રી અને એક્ઝિટ બનાવવામાં આવશે. સાથે સાથે આ એન્ટ્રી-એક્ઝિટને જોડતો BRTS રૂટ પણ તૈયાર કરાશે

રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી માંડીને હબને ફરતે 5 કિ.મી.નો એલિવેટેડ રોડ બનાવાશે
હબની ફરતે રૂપિયા 496.98 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવશે. આ રોડની કુલ લંબાઈ 5.479 કિ.મી.ની હશે. જે વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગરોડને સીધા રેલવે સ્ટેશન સાથે જોડશે. આ એલિવેટેડ રોડ દ્વારા યાત્રીઓ સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે અને રેલવે સ્ટેશનની ફરતેની ટ્રાફિકની સમસ્યાથી બચી શકશે. એલિવેટેડ રોડને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન ખુબ સરળ બનશે. એલિવેટેડ રોડથી સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ્યા બાદ પ્રવાસી લાંબા અંતરની ટ્રેન, મેટ્રો ટ્રેન, BRTS, સિટી બસ અને GSRTSની બસમાં બેસી શકશે અને આ તમામ વાહનોમાંથી ઉતરીને એલિવેટેડ બ્રિજનો ઉપયોગ કરીને ગંતવ્ય સ્થાન પર જઈ શકશે.

સુરતમાં બની રહેલી મેટ્રો રેલને જોડતા 6 ગેટ બનાવાશે
MMTHને મેટ્રો રેલ સાથે પણ જોડવામાં આવશે. હબની નીચેથી મેટ્રો રેલ અંડરગ્રાઉન્ડ પસાર કરાશે અને યાત્રી સીધા હબમાંથી મેટ્રો રેલનો લાભ લઈ શકે તે માટે 6 ગેટ પણ તૈયાર કરવામાં આવશે. આ મેટ્રો રેલનો રૂટ પણ એવો હશે કે જે સીધો અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેનના સ્ટેશન પણ જોડશે.

Most Popular

To Top