માનવસમાજની રચના થયા પછી પંચાયતો અને નગર રાજયો સ્થપાયાં, તેનું વિસ્તરણ થવા લાગ્યું અને ધરતી વિભાજિત થતી ગઇ, ઘુસણખોરી, આક્રમણો અને યુદ્ધો થવા લાગ્યાં. રમખાણો, રકતપાત, હિંસા પ્રસર્યાં, સંસ્કૃતિ પણ લજ્જિત થવા લાગી. જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સમુદાયો, જુદા જુદા ધર્મો અને જુદી જુદી પરંપરાઓ, ભાષાઓ, પહેરવેશ પ્રગટયા. એક દેશ બીજા દેશને ગુલામ બનાવી શાસન કરવા લાગ્યો. ધનવૈભવ, વેપાર ધંધા વિજેતાઓ દ્વારા કબજે થવા લાગ્યા. કાળક્રમે સ્વાતંત્ર્ય સંગ્રામ અને આંદોલનો ચાલ્યાં. વિશાળ દેશો વિભાજિત થતાં ગયાં. સિકંદર, નેપોલિયન જેવાઓ વિશ્વસત્તા બનવા પ્રયત્નશીલ રહ્યા. વેપારને બહાને રાજસત્તા બની ગયેલા અંગ્રેજોએ અખંડ હિન્દનું વિભાજન કર્યું. કાળક્રમે પાકિસ્તાનનું વિભાજન થતાં બાંગ્લાદેશ બન્યો.
સોવિયેટ સંઘ અનેક દેશોમાં વિભાજિત થઇ ગયો. અંગ્રેજોની ગુલામીમાંથી છૂટયા પછી પેલેસ્ટાઇનના બે ભાગલા પાડી એકમાં અંગ્રેજોએ ઇઝરાયેલ બનાવ્યું અને બીજામાં અરબોનું જોર્ડન રચાયું. જેને લીધે જેરૂસલેમ શહેરના પણ બે ભાગલા થયા, છતાં યુદ્ધ ચાલ્યું જેમાં અરબોએ જોર્ડને કબજે કરેલો વિસ્તાર પોતાનામાં સમાવી લીધો જે ગાઝા પટ્ટી તરીકે ઓળખાય છે. જેરૂસલેમનું શ્રદ્ધામય મહત્ત્વ મુસ્લિમો, યહુદીઓ અને ખ્રિસ્તીઓ માટે રહ્યું છે. બાંગ્લાદેશ નિર્માણ યુદ્ધ વેળા રશિયા ભારતને પડખે હતું, ભારતના તત્કાલીન પ્રધાન સ્વર્ણસીંઘ દ્વારા રશિયા સાથે થયેલી સહકાર સંધિ તેની પાછળ હતી અને રશિયાએ અમેરિકન સાતમા કાફલાને પણ પડકારી રવાના કરી દીધેલો. સાથે જ માત્ર બાંગ્લાવિજય સુધી જ ભારત સાથે રહેવાનો ઇરાદો દર્શાવતા ઇન્દિરાજી કાશ્મીરમાં જે ભાગ પી.ઓ.કે. તરીકે ઓળખાય છે તેનો કબજો લેવા આગળ વધી શકયા નહીં. ચીનમાંનું તાઇવાન, ઉત્તર અને દક્ષિણ કોરિયા પણ અલગ દેશો છે.
ભૂતાન તો ચીનને હવાલે કરી દેવાયું છે. જર્મનીની વિભાજક દિવાલ તૂટી શકી છે. અંધાધૂંધીમાં અટવાયેલા મ્યાનમાર (બર્મા)ના બે ભાગ પડી જવાના સંજોગો ઊભા થયા છે. ધરતી પર તાનાશાહો તેમની રીતે ખેલ કરી રહ્યા છે, રાજાશાહી નામની જ રહી છે. વિભાજન અને જોડાણની રાજરમતો ચાલતી રહેશે. સરદાર પટેલે દેશી રજવાડાનું ઐતિહાસિક કામ કરી બતાવતાં વિશાળ ભારતની રચના થઇ. મૃત્યુ પશ્ચાત્ તો બે ગજ જમીનમાં જ સમાઇ જવાનું સત્ય હજી પણ સત્તાધીશો સમજતા નથી અને ધરતી પર નિતનવા ખેલ થતા રહે છે, વિસ્તરણ, સીમાંકનો પણ થતા રહે છે. વિશ્વ એક કુટુંબની ભાવના સાચા અર્થમાં રાજકીય રીતે ફળતી નથી. રાજસત્તાના ખેલ સાથે યુદ્ધ અને શાંતિની વાતો સાથે સંગઠનોની બેઠકો થતી રહી છે. હવામાનમાં પ્રદૂષણો પણ પ્રસરતાં રહ્યાં.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે