SURAT

આ રીતે બન્યું સુરત દેશનું નંબર 1 ક્લીન સિટી!

સુરત(Surat): આખરે 8 વર્ષ લાંબા ઈંતજાર બાદ સુરત શહેર દેશનું નંબર 1 ક્લીન સિટી (CleanCity) બની ચૂક્યું છે. આજે દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના (cleanliness survey 2023) પરિણામો જાહેર કરાયા તેમાં નંબર 1 રેન્ક સુરત શહેરના ફાળે ગયો છે. દેશના સ્વચ્છ શહેરોમાં સુરત અને ઈન્દોર (Indore) સંયુક્તપણે નંબર 1 બન્યું છે. ઈન્દોરે ગાર્બેજ ફ્રી સિટીની કેટેગરીમાં સેવન સ્ટાર રેટિંગ મેળવ્યું છે. 1 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોની કેટેગરીમાં નવી મુંબઈ સુરત અને ઈન્દોર બાદ ત્રીજા નંબર પર છે.

છેલ્લાં ત્રણ વર્ષથી સુરત અને ઈન્દોર વચ્ચે દેશના નંબર 1 ક્લીન સિટી બનવા માટે હોડ જામી હતી. સુરત સતત નંબર 1 બનવા પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ દર વખતે ઈન્દોર બાજી મારી જતું હતું, પરંતુ આ વખતે શાસકો અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલના પ્રયત્નોને સફળતા મળી છે. મનપા કમિશનર તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ શાલીની અગ્રવાલે સુરતને નંબર 1 ક્લીન સિટી બનાવવાનો ધ્યેય જાહેર કરી દીધો હતો. અગ્રવાલના પ્રયત્નોને આખરે સફળતા સાંપડી છે.

દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટસ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યાં હતાં. સુરતનો નંબર આવતાં ગર્વ વ્યક્ત કરતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતાં હતા.જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે. જેથી આ રેન્કના આપણે હક્કદાર બન્યા છીએ. જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું.

ત્રણ વર્ષથી સુરત થોડા અંકો માટે પાછળ રહી જતું હતું
સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે સ્પર્ધા હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્કસથી જ નંબર વનનો ખિતાબ ચૂકી ગયું હતું. આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે.

પાલિકાના કંટ્રોલરૂમમાં લાઈવ પ્રસારણ કરાયું
સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસીસ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી. સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે પીછેહટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી.

મશીનથી રસ્તાની સફાઈ પર ભાર
સુરત શહેરને ક્લીન સિટી નંબર 1 બનાવવા માટે જાહેર સ્થળો અને રસ્તાની રાઉન્ડ ધ ક્લોક સફાઈ પર ભાર મુકવામાં આવ્યો હતો. સુરતના 4 લેન રોડની મશીનથી દિવસમાં બે વાર સફાઈ થાય છે. સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત ફોરનલેન રોડની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેક્સટાઈલ, ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વિપિંગ કામગીરી પર ભાર મૂકાયો છે.

દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય મધ્યપ્રદેશ
દેશમાં સૌથી સ્વચ્છ રાજ્યનો ખિતાબ મધ્યપ્રદેશના ફાળે ગયો છે. સીએમ મોહન યાદવને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. મહારાષ્ટ્રને રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે પ્રથમ એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છતા સર્વેક્ષણ માટે બનાવવામાં આવેલ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરોમાં સાસવડ (મહારાષ્ટ્ર), પાટન (છત્તીસગઢ) અને મહારાષ્ટ્રના લોનાવાલા ટોપ થ્રી સિટી બન્યા છે. મધ્યપ્રદેશનું મહુ સૌથી સ્વચ્છ કેન્ટોમેન્ટ બોર્ડનો એવોર્ડ જીત્યું છે. ભોપાલ દેશનું પાંચમું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ગયા વર્ષે તે છઠ્ઠા સ્થાને હતું.

Most Popular

To Top