ગુજરાતમાં શહેરો અને ગામડાંઓમાં છૂટથી દારૂ વેચાય છે. આ તો કહેવાતી દારૂબંધી છે. દારૂએ ઘણાં કુટુંબોનો નાશ કર્યો છે. ઝેરી દારૂ પીવાથી એક સાથે ઘણાં માણસો મૃત્યુ પામે છે. લઠ્ઠાકાંડને કારણે પણ ઘણાંનાં સામુહિક મૃત્યુ થાય છે. આ સાથે ડ્રગ્સ, કેફી પીણું પીવાથી ઘણા યુવાનોનાં મૃત્યુ થાય છે. યુવાનોમાં આવા કેફી પદાર્થોને કારણે હવે તાકાત રહી નથી. ઘણા યુવાનો હવે વૃધ્ધ જેવા દેખાય છે.
વાસ્તવમાં દારૂબંધી કડક હોવી જોઇએ, સજા પણ વધુ કડક હોવી જોઇએ. ખરેખર તો દારૂનું ઉત્પાદન જ ન થવું જોઇએ. તમાકુનું પણ ઉત્પાદન ન થાય તો કોઇ બીડી કે સિગારેટ ન પીએ તો સૌના સ્વાસ્થ્ય અંગે કેન્સર થવાનો ભય ન રહે. તમાકુ ગધેડા પણ ખાતા નથી અને માણસો ગુટકા ખાય છે. જો તમાકુનું કે અન્ય કેફી પદાર્થનું ઉત્પાદન જ ન થાય તો ન રહે બાંસ અને ન બજે બાંસુરી એવું થાય. કહેવત સાર્થક થાય. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇ દારૂબંધી માટે ખૂબ આગ્રહી હતા અને એ જનતાના હિતમાં જ છે.
દારૂબંધી નામની ન રહેવી જોઇએ. અત્યારે તો ચૂંટણી સમયે પણ કેટલાંક મતદારો દારૂ ઢીંચીને આવે છે. ગામડાંમાં કેટલીક જગ્યાએ બસ સ્ટેન્ડ નજીકમાં જ દારૂ મળતો હોય ત્યારે કેટલાક દારૂના બંધાણી બસમાંથી ઊતરી જઇને દારૂ પીને ફરી પાછા બસમાં બેસી જાય છે એવું જ લોકલ ટ્રેઇનમાં પણ બને છે. દારૂનાં પોટલાં ટ્રેઇનમાંથી બહાર ફેંકાય અને તેને લેવાવાળા ત્યાં આવી જાય છે. દારૂ વહન કરવા માટે જાતજાતના નુસકા કેટલાક લોકો અજમાવે છે. દારૂ એ દૈત્ય છે અને એ દૂષણ દૂર થવું જોઇએ ત્યારે દેશનો વિકાસ સાચા અર્થમાં થશે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વામી વિવેકાનંદના વિચારો: તનાવપૂર્ણ યુગમાં દીવાદાંડી સમાન
ભારતીય વેદાંતી સંસ્કૃતિ/યોગનો વિશ્વભરમાં ફેલાવો કરનારા મહાન ક્રાંતિકારી સંત સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતી (12/1)ના દિને આજના સ્પર્ધાત્મક અને માનસિક તનાવપૂર્ણ યુગમાં માનવી માત્ર જયારે દિશાશૂન્ય બની ગયો છે ત્યારે આ વિચારો દિવાદાંડીનું કામ કરે છે. એક વખતે એક જ કાર્ય કરો અને બીજું બધું બાજુએ મૂકીને તમારું પૂરેપૂરું દિલ તેમાં જ પરોવો. શાંત, ક્ષમાશીલ, સમતોલ અને સમાન દૃષ્ટિવાળું મન જ વધુમાં વધુ કામ કરે છે.
અમે આ કરી શકીએ અને પેલું ન કરી શકીએ. એ બધા વિચારો મનમાંથી કાઢી નાંખો. તમે બધું જ કરી શકો છો. કોઇ પણ જાતનો ડર ન રાખો. ભય અને નબળાઇની નિશાની છે. દુનિયા મશ્કરી કરે કે નિંદા તેની પરવા કર્યા વગર પોતાનું કર્તવ્ય બજાવો. જો તમે તમારી પ્રેમાળ જીવન સંગિની પત્નીને સાચી રીતે ચાહી શકો તો દુનિયાના તમામ ધર્મ તમારામાં આવી જાય. ધર્મ અને યોગનું બધું રહસ્ય તમારામાં આવી જાય પણ તમે ચાહી શકશો? જગતમાં સર્વ રોગોનું એક માત્ર ઔષધ છે શકિત. તમે એ કદી માનો જ નહીં કે તમે દુર્બળ, દીનહીન, ગરીબ છો. બહાદુર બનીને બધાનો સામનો કરો. શુભ આવો કે અશુભ આવો બંને ભલે આવો.
હિંમત રાખો. કંઇક વીરતાભર્યું કરો ભાઇ? શા માટે ડરવું? કોનાથી ડરવાનું? હૃદયને લોખંડી બનાવો અને કામે લાગી જાઓ. પાપ જો હોય તો તે આ એક જ છે કે તમે દુર્બળ છો. બીજાઓ દુર્બળ છે એમ કહેવું અને માનવું. ભયનો સામનો કરો. હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓથી જયારે આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હઠે છે. શ્વાસે શ્વાસે પ્રાર્થના કરો. ધ્યાન ધરો. મનને કાબૂમાં લો. નિયમિત પ્રાણાયામ કરો. મન એકાગ્ર થશે. મનુષ્યની સેવા કરતાં બીજો કોઇ ધર્મ નથી. પોતાની જાતને સુખી કરવાનો એક જ રસ્તો છે. બીજાને સુખી થાય એ જોવાનો ભારત વિશ્વગુરુ થવા સર્જાયેલ છે.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.