સુરત: (Surat) સિંગણપોર ખાતે દારૂ (Alcohol) પીને આવેલા પતિ સાથે ગઈકાલે રાત્રે ઝઘડો થયો હતો. જેથી પત્નીએ તેના માનેલા ભાઈને બોલાવતા તે મિત્રને (Friend) લઈને આવ્યો હતો. અને યુવકને બેટ વડે માર માર્યો હતો. દરમિયાન યુવકનું મોત નીપજતા બંને સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
- રીક્ષામાં આવેલા બે જણાએ મનપાના સફાઈ કામદારને છાતીના ભાગે બેટ મારતા સ્થળ પર મોત નીપજ્યું
- લોકોની ભીડ ભેગી થતા બંને આરોપી રીક્ષા મુકીને ભાગી ગયા, બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો
- સિંગણપોરમાં પતિએ દારૂ પીને ઝઘડો કરતા પત્નીએ માનેલા ભાઈને બોલાવ્યો
સિંગણપોર પોલીસને ગઈકાલે સિંગણપોર ગામમાં ગાંધીનગર સોસાયટીમાં ઘર નંબર 69 માં ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જોયુ ત્યારે એક વ્યક્તિ રૂમમાં ચત્તી હાલતમાં મૃત પડેલો હતો. મૃતકને જમણા હાથના પંજાના ભાગે, જમણા પગના ઘુંટણથી ઉપરના ભાગે ઇજા થવાથી ઘા ના નિશાન પડ્યા હતા. મૃતકની પત્નીનું નામ પુછતા દક્ષાબેન કાંતીલાલ સાંડીસ (ઉ.વ.40) હોવાનું જણાવ્યું હતું. પતિના મોત બાબતે પુછતા જણાવ્યું હતું કે, રાત્રે તેનો પતિ કાંતીલાલ દારૂ પીને આવ્યો હતો. નશાની હાલતમાં આવીને ઝઘડો કરતો હોવાથી દક્ષાબેને તેના માનેલા ભાઈ હિતેશ ઉર્ફે કાલુ બાપુભાઈ આહિરે (રહે.ગંગાધરા એપાર્ટમેન્ટ, કતારગામ) ને ફોન કરીને બોલાવ્યો હતો.
જેથી હિતેશ તેના મિત્ર મોહમદ દાનીશ શેખને લઈને ઓટો રીક્ષામાં ગયા હતા. બંને જણા પોતાની સાથે બેટ લઈને આવ્યા હતા. ત્યારે તેઓ કાંતીલાલને સમજાવતી વખતે ઉગ્ર ઝઘડો થયો હતો. અને બંનેએ મળીને કાંતીલાલને બેટથી માર માર્યો હતો. હિતેશે છાતીના ભાગે બેટ મારતા તે બેભાન થઈ નીચે પડી ગયો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા બંને આરોપી રીક્ષા ત્યાં જ મુકીને ભાગી ગયા હતા. કાંતીલાલને હોસ્પિટલમાં ખસેડવા માટે 108 બોલાવતા ઇએનટીએ મૃત જાહેર કર્યો હતો. સિંગણપોર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
વધુમાં મૃતક સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર હતો. આરોપી હિતેશની સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં 6 મહિના પહેલા પોલીસ સાથે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય કતારગામમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોધાયો છે. અને બે વખત પાસામા તેની અટકાયત થઈ છે. વધુમાં માનેલા ભાઈ સાથે જ તેના આડા સંબંધ હોવાની પણ ચર્ચા છે. જોકે પોલીસે આ અંગે સત્તાવાર કોઈ માહિતી આપી નથી.