જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ટેલિફોનમાં પણ પરિવર્તન આવતાં ગયાં છે. મોબાઇલ ફોનને વધુ મનોરંજક બનાવવા માટે તેમાં ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો ત્યાર બાદ ગીતો સાંભળવા માટે પણ ફોનનો ઉપયોગ થવા લાગ્યો. ખાસ એકવીસમી સદીના પ્રથમ દશકમાં સ્માર્ટ ફોનનું ચલણ ખૂબ જ વધ્યું છે. બધા લોકોમાં સ્માર્ટફોનનું વળગણ એ હદ સુધી પ્રસરી ગયું છે કે કોઇ વ્યક્તિ પોતાની મહત્ત્વની ફરજો ભૂલીને પણ સ્માર્ટ ફોનને વધારે મહત્ત્વ આપવા લાગી ગયો છે.
વધારેમાં હવે તો જુદા જુદા ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ, ટ્વીટર વગેરે હાલમાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. ઘરે બેઠાં બધી જ માહિતી આપણે ફોનમાંથી મેળવી શકીએ છીએ. માહિતીના આદાનપ્રદાન સુધી આ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં વાંધો પણ કશો નથી. પરંતુ જ્યારે આપણે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવા માટે સમયસર જમતા નથી. સમયસર ઊંઘતા નથી. આખી આખી રાત સુધી વિવિધ પ્રકારની ઇંટરનેટ આધારિત ગેમો પબ જી, ફી-ફાયર રમવામાં કાઢી નાખીએ છીએ ત્યારે આ બધી બાબતો આપણા જીવનધોરણને કથળતી કક્ષાનું કરી નાખે છે.
એક ઉપયોગી ઉપકરણ તરીકે મોબાઇલ ફોનની શોધ કરવામાં આવી હતી. પરંતુ આજના ડિજિટલ યુગમાં મોટાથી લઇને નાનાં બાળકો, યુવાનોમાં મોબાઇલ પ્રત્યે ઘેલું વળગણ વધ્યું છે. ખાસ કરીને નાનાં બાળકોની અંદર મોબાઇલ ફોનની ઘણી માઠી અસરો જોવા મળે છે. નાની ઉંમરમાં જ બાળક ફોનની જીદ કરી બેસે છે. શારીરિક અને માનસિક વિકાસ થવો જોઇએ એ સમયગાળામાં કુમળા ફૂલ જેવું બાળક મોબાઇલ ફોનના વળગણનો શિકાર થઈ જાય છે.
પરિણામે લાંબા ગાળે એનાં શારીરિક તેમજ માનસિક વિકાસ પર ખૂબ માઠી અસર પડે છે. બાળકોની આંખની જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને તેઓ મેદાનમાં રમાતી જે રમતો છે તે રમતાં નથી, જેથી તેમનો શારીરિક વિકાસ પણ રુંધાય છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય તે માટે ઘરનાં વડીલોએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
માંડવી- વૈભવી વિરમ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.