Editorial

ભારતીય નૌકાદળના કમાન્ડોઝની ચાંચિયા વિરોધી કામગીરી પ્રશંસાને પાત્ર છે

શુક્રવારે ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ એક અદભૂત કામગીરી કરીને બતાવી. સોમાલિયા નજીકથી ૧૫ જેટલા ભારતીય કર્મચારીઓ સાથેના એક વેપારી જહાજનું અપહરણ થયું છે એવો સંદેશો મળ્યા બાદ ભારતીય નૌકાદળના એક પેટ્રોલિંગ જહાજને તાબડતોબ આ અપહ્યત જહાજની દિશામાં રવાના કરવામાં આવ્યું અને કલાકોની જહેમત બાદ નૌકાદળના માર્કોસ કમાન્ડોઝ અપહ્યત જહાજમાં ઉતર્યા હતા અને ૧૫ ભારતીય કર્મચારીઓ સહિત આ જહાજ પરના તમામ ૨૧ કર્મચારીઓને લૂંટારાઓની ચુંગાલમાંથી છોડાવ્યા. રાતા સમુદ્રના વિસ્તારમાં વેપારી જહાજો પર ઉગ્રવાદી હુમલાઓ અને તેમની સાથે જ કેટલાક વિસ્તારોમાં ચાંચિયાગીરી પણ વધી ગઇ છે ત્યારે ભારતીય નૌકાદળે થોડા જ દિવસોમાં બીજી વખત આવી કામગીરી સફળતાપૂર્વક બજાવી છે.

ઉત્તરીય અરબી સમુદ્રમાં ચાંચિયા વિરોધી પેટ્રોલિંગની કામગીરી માટે તૈનાત કરાયેલા ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ-ચેન્નાઇએ ગુરુવારે સાંજે મદદ માટેનો એક સંદેશો આંતર્યો હતો. તે સંદેશા પરથી જાણવા મળ્યું હતું કે સોમાલિયાના કાંઠા નજીક એક વેપારી જહાજ પર પાંચથી છ જેટલા સશસ્ત્ર ચાંચિયાઓ ચડી ગયા છે અને તેમણે આ જહાજનું અપહરણ કરી લીધું છે. લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા એમવી લીલા નોર્ફોક નામના આ જહાન પર ૧૫ ભારતીય કર્મચારીઓ પણ છે એમ જાણવા મળ્યું હતું.

એમવી લીલાએ યુનાઇટેડ કિંગ્ડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ(યુકેએમટીઓ) પર સંદેશો મોકલ્યો હતો. સંદેશો મળ્યા બાદ ભારતીય નૌકાદળનું જહાજ આ વેપારી જહાજની દિશામાં ધસી ગયું હતું. જહાજની નજીક પહોંચ્યા બાદ જહાજ પરની સ્થિતિ પર હેલિકોપ્ટરો, વિમાન અને ડ્રોન્સ વડે નજર રાખવામાં આવી હતી. વેપારી જહાજના કર્મચારીઓ સાથે સંપર્ક કરવામાં નૌકાદળના જહાજને સફળતા મળી હતી અને આ કર્મચારીઓ સલામત છે તેની ખાતરી થઇ શકી હતી. ત્યારબાદ યોગ્ય સમયે નૌકાદળના માર્કોસ કમાન્ડો અપહ્યત જહાજ પર ચડ્યા હતા.

કમાન્ડોઝની ચેતવણીને પગલે ચાંચિયાઓ જહાજ છોડીને ભાગી ગયા હતા અને જહાજ પરના તમામ કર્મચારીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે ચાંચિયાઓ જહાજમાં ચડ્યા ત્યારથી જહાજના તમામ કર્મચારીઓ એક સેફ રૂમમાં ભરાઇ રહ્યા હતા એમ જાણવા મળે છે. સંભવિતપણે જહાજ પર કોઇ ચાંચિયા સહિત કોઇ રહી તો ગયું નથી ને? તે માટેની સેનિટાઇઝેશનની કામગીરી કમાન્ડોઝ શુક્રવારે મોડી રાત સુધી કરી રહ્યા હતા. સેનિટાઇઝેશનની કામગીરી રાત્રે પુરી થઇ હતી અને જહાજ પર કોઇ ચાંચિયો હવે બાકી નથી તેની ખાતરી થઇ ગઇ હતી.

આ સાથે જ નૌકાદળના ઇતિહાસમાં એક ગૌરવવંતુ પ્રકરણ ઉમેરાઇ ગયું હતું. નૌકાદળનું જહાજ અપહ્યત જહાજની નજીકના વિસ્તારમાં પહોંચ્યું તે પછી આ અપહ્યત જહાજ પર થઇ રહેલી ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી હતી. મેરિટાઇમ પેટ્રોલિંગ વિમાન, હેલિકોપ્ટરો અને પ્રિડેટર એમક્યુ ડ્રોન્સને કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા. બાદમાં નૌકાદળના માર્કોસ કમાન્ડોઝ આ જહાજ પર ચડ્યા હતા. સંભવત: કમાન્ડોઝ આ જહાજ પર ચડે તે પહેલા જ ચાંચિયાઓ કે લૂંટારૂઓ આ વેપારી જહાજ પરથી ભાગી છૂટયા હતા.

જેમાં મોટા પ્રમાણમાં ભારતીય કર્મચારીઓ હોય તેવા વેપારી જહાજ પર હુમલાનો આ ત્રીજો બનાવ છે. ૨૩મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર કાંઠા નજીક એમવી શામ પ્લુટો નામના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો જે જહાજમાં ૨૧ ભારતીય કર્મચારીઓ હતા. આ હુમલો કોણે કર્યો તે હજી સ્પષ્ટ થયું નથી. તે જ દિવસે કે તેના બીજા દિવસે રાતા સમુદ્રમાં એમવી સાઇબાબા નામના જહાજ પર હુથી બળવાખોરોએ ડ્રોન હુમલો કર્યો હતો તે જહાજમાં ૨૫ ભારતીય કર્મચારીઓ હતા. આ બંને બનાવમાં જો કે કોઇને ઇજા થઇ ન હતી.

આના પછી આ શુક્રવારે એમવી લીલા નોર્ફોલ્કનું ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું જેમાં ૧૫ ભારતીય કર્મચારીઓ હતા. આપણા નૌકાદળે બીજા દેશના કર્મચારીઓ ધરાવતા એક જહાજને પણ થોડા દિવસ પહેલા છોડાવ્યું હતું. આ પહેલા ૧૪મી ડિસેમ્બરે માલ્ટાનો ધ્વજ ધરાવતા એમવી રુએન નામના વેપારી જહાજનું અપહરણ થયું હતું. તેને છોડાવવા માટે પણ ભારતીય નૌકાદળનું એક પેટ્રોલિંગ જહાજ અન્ય દેશોના જહાજો સાથે ધસી ગયું હતું અને તે જહાજને મુકત કરાવાયું હતું. તેમાં જો કે કોઇ ભારતીય કર્મચારીઓ ન હતા. આના પછી હવે આ એમવી લીલા નોર્ફોલ્કને નૌકાદળના આઇએનએસ ચેન્નાઇએ એકલે હાથે મુક્ત કરાવ્યું છે. ભારતીય નૌકાદળના કમાન્ડોઝની કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Most Popular

To Top