બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ 1947થી સ્વીકારવામાં આવતી નથી. બ્રિટિશ શાસન દરમિયાન આખા વિસ્તારમાં ચાર રજવાડાં હતાં અને એક વિસ્તાર ચીફ કમિશનર હેઠળ હતો. શરૂઆતથી જ આ રજવાડાઓ સ્વતંત્ર રાષ્ટ્રની માગણી કરતા હતા. 1944માં પણ તેની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ લીગના ઝીણા અને લોર્ડ માઉન્ટબેટનના દબાણને કારણે તેને પાકિસ્તાનમાં રાખવામાં આવ્યા હતા.
ત્યાંના કલાત રજવાડાએ આ પછી તરત જ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. પરંતુ 1948માં તેને પાકિસ્તાન સાથે જોડાણના પત્ર પર પણ સહી કરવી પડી હતી. આજ સુધી બલુચિસ્તાન નામના સ્વતંત્ર રાષ્ટ્રની માંગને દબાવી શકાઈ નથી. આ માગણી માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મીની રચના કરવામાં આવી હતી, જે સૌથી મોટા સંગઠન તરીકે સક્રિય છે. આ ઉપરાંત યુબીએ, લશ્કર-એ-બલુચિસ્તાન વગેરે જેવા ઘણા અલગતાવાદી સંગઠનો અસ્તિત્વમાં છે.
પાકિસ્તાન સરકાર આ સંગઠનોની માંગણીઓ પ્રત્યે ક્યારેય સંવેદનશીલ રહી નથી. ઉલટાનું સરકારે તેના સામે આકરા નિર્ણયો લીધા હતા 1956માં પાકિસ્તાનના બંધારણમાં બલુચિસ્તાનની પ્રાંતીય સ્વાયત્તતાને મર્યાદિત કરવામાં આવી હતી. બીજી વાત એ કે 1973માં દેશદ્રોહના આરોપસર તત્કાલીન રાષ્ટ્રપતિ ભુટ્ટોએ બલૂચિસ્તાનની પ્રાંતીય સરકારને બરખાસ્ત કરી દીધી હતી અને ત્યાં માર્શલ લૉ લાદી દીધો હતો.
જેથી ત્રણ વર્ષ સુધી સશસ્ત્ર બળવો થયો હતો, જેમાં લગભગ 8,000 બલુચીઓ માર્યા ગયા હતા 2005માં સ્વતંત્રતાની માંગ કરતા સંગઠનોએ સરકાર સમક્ષ 15 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો હતો. જેમાં બે સૌથી અગ્રણીમાં પ્રાંતના સંસાધનો પર વધુ કંટ્રોલ અને લશ્કરી થાણાઓના નિર્માણ પર પ્રતિબંધની હતી. પરંતુ એવું ન થયું. આ પહેલા 2002માં કલાતના મીર સુલેના દાઉદે પોતાને સ્વતંત્ર બલૂચિસ્તાનના શાસક જાહેર કર્યા હતા.
એકંદરે આ પૃષ્ઠભૂમિના કારણે બલુચિસ્તાનનો બળવો આજે પણ ચાલે છે. અહીં નોંધનીય છે કે 1971માં બાંગ્લાદેશની રચનાથી આ બળવાખોરોનો જુસ્સો વધ્યો હોવાનું દેખાય છે. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે પાકિસ્તાનનો 44 ટકા ભાગ છે, જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ માત્ર પાંચ ટકા છે. સમગ્ર વિસ્તાર પર્વતીય અને રેગિસ્તાની હોવાથી વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટર દીઠ માત્ર 36 વ્યક્તિઓની છે અને વસ્તી માત્ર 1.5 કરોડની છે. આ વિસ્તારમાં મોટાભાગના લોકો બલૂચ ભાષા બોલતા હોવાથી તેને બલૂચિસ્તાન કહેવાય છે.
અત્યારે બલૂચિસ્તાનીઓની સૌથી મોટી ફરિયાદ એ છે કે પાકિસ્તાને સિંધ અને પંજાબ પ્રાંતનો ઘણો વિકાસ કર્યો છે, પરંતુ બલુચિસ્તાન પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ક્ષેત્ર શિક્ષણ, આરોગ્ય અને રોજગારની દ્રષ્ટિએ ખૂબ પછાત છે. પાકિસ્તાનની સાક્ષરતાની ટકાવારી 59 ટકા છે, પણ બલુચિસ્તાનમાં તે 43 ટકાની આસપાસ છે. 1970ના દાયકા પહેલા પાકિસ્તાનના જીડીપીમાં બલૂચિસ્તાનનો હિસ્સો પાંચ ટકાની આસપાસ હતો પણ હવે તો 3.7 ટકા જ રહ્યો છે.
બલુચિસ્તાન પાકિસ્તાનનો કુદરતી ગેસ અને તેલનો ટોચનો સ્ત્રોત છે. પરંતુ ત્યાંથી નીકળતા ગેસ અને તેલ પરની માથાદીઠ રોયલ્ટી અન્ય સ્ત્રોતોની સરખામણીએ માત્ર 20 ટકા જ છે. જેથી જરૂરીયાતોને પૂરી કરવા માટે લોન લેવાના કારણે આ ક્ષેત્ર દેવામાં ડૂબી ગયું છે. અત્યારે બલૂચિસ્તાનીઓની સૌથી મોટી ફરિયાદ એ છે કે પાકિસ્તાને સિંધ અને પંજાબ પ્રાંતનો ઘણો વિકાસ કર્યો છે, પરંતુ બલુચિસ્તાન પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી.
ગ્વાદર બંદર અને ચીનની અસર ગ્વાદર બંદર શબ્દ ઘણી વાર અહેવાલોમાં આવે છે. આ પોર્ટ બલૂચિસ્તાનમાં છે, જેને ચીન ડેવલપ કરી રહ્યું છે. આ બંદરના વિકાસના કારણે બલૂચ લોકો માટે રોજગારની પુષ્કળ તકો ઉભી થઇ શકે તેમ હતી. પરંતુ એવું નથી થઈ થયું નથી. આ બંદર માટે બહારથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તાર ચીનના તાબામાં આવી ગયો છે. આ સ્થિતિથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમયાંતરે ચીનાઓ પર હુમલા થાય છે. આવું થાય ત્યારે પાકિસ્તાન સરકારને ચીનની સરકારને જવાબ આપવાનો હોય છે. જેથી પાકિસ્તાન સરકાર આવી ઘટનાઓ બને ત્યારે હલબલી જાય છે.
પાકિસ્તાન હવે ચીનના દેવામાં એટલું ડૂબેલું છે કે તે યોગ્ય કાર્યવાહી કરી શકે તેમ નથી. હાલમાં એક મહિલા મહેરાંગ આ આંદોલનના મુખ્ય નેતા છે અને તેઓ 12 વર્ષની ઉંમરના હતાં ત્યારથી જ અલગ બલુચિસ્તાન માટે ચળવળ ચલાવી રહ્યાં છે. એમબીબીએસનો અભ્યાસ કરનાર મેહરંગ બલોચની ઉંમર માત્ર 30 વર્ષની છે, પરંતુ તે Baloch યુવાનોની સાથે-સાથે વડીલોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. મહેરાંગ હંમેશા બલોચનો અવાજ ઉઠાવે છે અને આંદોલનનું નેતૃત્વ પણ કરી રહી છે.
મહેરાંગ બલોચ પણ બલુચિસ્તાનમાં થયેલા અત્યાચારનો શિકાર છે. થોડા વર્ષ પહેલા માં તેના પિતાનું પણ સેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેની પાછળથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જે રીતે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા તેવો જ મોકો અત્યારે ભારત પાસે છે. કાશ્મીર તો ભારતનું અંગ છે છતાં પાકિસ્તાન તેમાં દખલઅંદાજી કરી અલગાવવાદી નેતાઓને સીધો કે આડકતરો ટેકો આપે છે તેવી જ રીતે બલોચ નેતાઓને તેમની લડાઇમાં સાથ મળે તો પાકિસ્તાનનો ત્રીજો ટુકડો થઇ જાય તેમ છે અને જો બલુચિસ્તાન અલગ થઇ જાય તો પાકિસ્તાન માત્ર 60 ટકા જ રહી જાય તેમ છે.