રાંચી: ઝારખંડના (Jharkhand) સીએમ હેમંત સોરેન સામે ED તપાસ કરી રહી છે. હાલમાં જ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાના એક ધારાસભ્યએ (MLA) પણ આ મામલે તેમના પદ પરથી રાજીનામું (Resignation) આપ્યું હતું. ત્યાર બાદ રાજકારણ વધુ ગરમાયું છે. તેમજ સીએમ હેમંત સોરેન (Hemant Soren) પણ સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે અને તેમના સ્થાને તેમની પત્ની કલ્પના સોરેન રાજ્યના નવા સીએમ બની શકે છે. પરંતુ હવે સીએમ હેમંત સોરેનની બહેનના નિવેદને પણ આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
વાસ્તવમાં જ્યારે હેમંત સોરેનની બહેન અંજલી સોરેનને તેમના ભાઇ બાદ તેમની ભાભી કલ્પના સોરેન સીએમ બનવાની ચર્ચાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે ‘જો જરૂર પડશે તો તેઓ સીએમ બની શકે છે. અમારા પક્ષમાં અન્ય લોકો પણ છે પરંતુ તેનો નિર્ણય પક્ષની ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવશે. અત્યારે કન્ફર્મ કરી શક્તી નથી કે કોને સીએમ પદ સોંપવામાં આવશે. પરંતુ જો જરૂર પડશે તો ભાભી કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવશે.’
કલ્પના સોરેન રાજકારણમાં જોડાવાનો પ્રશ્ન ટાળે છે, પરંતુ કહે છે કે હું તૈયાર છું
જ્યારે પણ મીડિયાએ કલ્પનાને પૂછ્યું કે તે ક્યારે રાજનીતિમાં આવી રહી છે તો તેનો જવાબ હતો કે આ હું જાતે નક્કી નહીં કરું. આનો નિર્ણય મારી પાર્ટી કે સીએમ સાહેબ કરશે. એકવાર એક પત્રકારે કલ્પનાને પૂછ્યું હતું કે જો પાર્ટી તેને કહેશે કે તેણે કાલે ચૂંટણી લડવી છે તો તે શું કરશે. કલ્પનાએ કહ્યું હતું કે હું દરેક વસ્તુ માટે તૈયાર છું. પરંતુ બધું પાર્ટીના આદેશ પર નિર્ભર છે.
1997માં ચારા કૌભાંડમાં ફસાયા બાદ લાલુ પ્રસાદ યાદવે પોતાની પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે સીએમ હેમંત સોરેનના પદ પર સંકટ છે. તેમજ જમીન કૌભાંડમાં EDએ તેમને 7 વખત સમન્સ પાઠવ્યા છે. પરંતુ તેઓ પૂછપરછ માટે હાજર થયા નથી. ભાજપ દાવો કરી રહી છે કે સોરેન પોતાની પત્ની કલ્પનાને સીએમ બનાવીને લાલુ-રાબડી એપિસોડનું પુનરાવર્તન કરવા માંગે છે. જ્યારે સોરેન કહી રહ્યા છે કે તેમનો આવું કંઈ કરવાનો કોઈ ઈરાદો નથી.