SURAT

હજીરામાં L&Tના ગેટ સામે ભયાનક અકસ્માત, બસ અને ડમ્પર ટકરાયા, ડ્રાઈવરનો કાન ફાટી ગયો

સુરત(Surat) : હજીરા (Hazira) ખાતે એલએન્ડટી (L&T) કંપનીના ગેટ સામે આજે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં સ્ટાફ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતને પગલે રોડ ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવરનો કાન ફાટી ગયો હતો જ્યારે અન્ય બેથી ત્રણ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી.

  • હજીરામાં ગોઝારો અકસ્માત, એલએન્ડટીના ગેટ પાસેની ઘટના
  • ડમ્પર અને બસ વચ્ચે ટક્કર, ડ્રાઈવર સહિત 3 પેસેન્જરને ઈજા

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે હજીરામાં એલએન્ડટી કંપનીના ગેટ નંબર 2ની સામે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના ચાલકે ફૂલસ્પીડમાં ગફલતભરી રીતે ડમ્પર હંકારી બસના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ડમ્પર રોંગસાઈડ દોડી રહ્યું હતું.

ખાનગી ટ્રાવેલ્સની બસમાં કંપનીના સિક્યુરિટીના માણસો મુસાફરી કરી રહ્યાં હતાં. બસમાં અંદાજે 20 થી વધુ પેસેન્જર હતા. રોંગસાઈડ દોડતા ડમ્પરે બસની આગળ જમણી બાજુ તરફ જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર થતા જ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. ડ્રાઇવર સાઈડ પર જ ડમ્પરે ટક્કર મારી હતી જેના લીધે બસનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને કાનના ભાગે ઈજા થઈ હતી.

મોરાથી હજીરા બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો
બસ મોરાથી સિક્યુરિટીના સ્ટાફને લઈને હજીરા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એલએન્ડટીના ગેટ નંબર 2ની સામે અકસ્માત થયો હતો. ડમ્પરની આગળ દોડતા વાહને અચાનક બ્રેક મારતા ડમ્પરના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, જેના લીધે તે ડમ્પર રોંગસાઈડ ઘુસી બસ સાથે ભટકાયું હતું. સમગ્ર ઘટનામાં ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ઇજાગ્રસ્ત અને સામાન્ય ઈજા થતા સારવાર કરી દેવામાં આવી છે. ડ્રાઇવરને કાચનો ભાગ લાગી જતા કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું જેને પણ સારવાર આપી દેવામાં આવી છે.

Most Popular

To Top